લખનઉ બિલ્ડિંગ દુર્ઘટના- સપા નેતાની માતા-પત્નીનું મોત, અનેક લોકો ઘાયલ

લખનૌ,

લખનઉમાં મંગળવારે સાંજે એક ઈમારત ધરાશાયી થતાં ૧૬ લોકોને બહાર કાઢવામાં આવ્યા. અલાયા એપાર્ટમેન્ટ દુર્ઘટનામાં સપા નેતા જીશાન હૈદરની માતા અને પત્નીનું મોત નીપજ્યું હતું . કાટમાળમાંથી અત્યાર સુધીમાં ૧૬ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. બુધવારે સવારે સપા નેતા જીશાન હૈદરની ૭૨ વર્ષીય માતાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પત્ની ઉઝમા હૈદરને પણ ૧૨ કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઇ જવાયાઈ હતી. જ્યાં તબીબોએ પણ તેને મૃત જાહેર કરી હતી.

મુખ્યમંત્રીના સલાહકાર અવનીશ અવસ્થી બુધવારે ઘાયલોને જોવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. રાહત કાર્યને કારણે કોંગ્રેસ નેતા હૈદર સહિત લગભગ ૧૫ લોકોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે. મંગળવારે અનેક ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામની લખનઉની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બિલ્ડિંગ ધરાશાયી થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં લખનઉના કમિશનર રોશન જેકબ, જોઈન્ટ પોલીસ કમિશનર પીયૂષ મોરડિયા અને લખનઉ PWD ના ચીફ એન્જિનિયરનો સમાવેશ થાય છે. આ કમિટી આ દુર્ઘટના માટે જવાબદાર લોકોને શોધીને એક સપ્તાહમાં રિપોર્ટ સોંપશે.

આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસના ડીજીપી ડીએસ ચૌહાણે કહ્યું કે, “બિલ્ડીંગમાં બે અજાણ્યા લોકો પણ હાજર હતા. ડીજીપીએ જણાવ્યું છે કે એક બેંક કર્મચારી બીજા સાથે એક લેટમાં તેના ક્લાયન્ટના ઘરે આવ્યો હતો. આ અપ્રમાણિત માહિતી છે પરંતુ અમે તેને પણ શોધી રહ્યા છીએ. ત્યાં વધુ એક મહિલા જીવિત છે. અમે તેની સાથે સંપર્કમાં છીએ. તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે.

તેમજ તેમણે કહ્યું કે આ ઈમારત ગેરકાયદેસર છે. તેને માત્ર બીજા માળ સુધી બનાવવા માટે એલડીએ તરફથી પરવાનગી મળી હતી. તેમણે કહ્યું કે તહરિરનો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં કેસ નોંધવામાં આવશે. કુલ ૧૫ લોકોને બચાવી લેવાયા છે. ઘટના સ્થળે હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે. આ અંગે પોલીસ પ્રશાસન પણ સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે.