કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીર ખરાબ હવામાન અને ભૂસ્ખલનના લીધે રામબન અને બનિહાલમાં રદ

શ્રીનગર,

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં પોતાના અંતિમ પડાવ જમ્મુ કાશ્મીરમાં છે. બુધવારે સવારે શરુ થયેલી યાત્રા ખરાબ હવામાન અને ભૂસ્ખલનના કારણે બપોર માટે સ્થગિત કરી દેવામાં આવી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યુ કે ખરાબ હવામાન અને ઘણી જગ્યાએ ભૂસ્ખલનના કારણે રામબન અને બનિહાલમાં ભારત જોડોની બપોરની યાત્રા રદ કરવામાં આવી છે. ૨૭ જાન્યુઆરીએ સવારે ૮ વાગે ફરીથી યાત્રા શરુ થશે.

તમને જણાવી દઈએ કે અગાઉ આજે બુધવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે તેને રદ કરવી પડી હતી. ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના કારણે એક દિવસના વિરામ બાદ શુક્રવારે યાત્રા ફરી શરૂ થશે. નોંધનીય છે કે રાહુલ ગાંધી ગયા ગુરુવારે તેમની ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસીઓ સાથે હાથમાં મશાલ અને ત્રિરંગો લઈને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ્યા હતા. આગામી ૩૦મી જાન્યુઆરીએ શ્રીનગરમાં તે પોતાની યાત્રાનુ સમાપન કરશે.