પુના જિલ્લાની ભીમા નદીમાંથી ૭ દિવસમાં એક જ પરિવારના ૭ મૃતદેહ મળી આવતા ફફડાટ

  • મૃતદેહો ભીમા નદીના કિનારા પર એકબીજાથી લગભગ ૨૦૦ થી ૩૦૦ મીટરના અંતરે મળી આવ્યા.

પુના,

મહારાષ્ટ્રના પુના જિલ્લામાં ભીમા નદીના કિનારે ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સાત સભ્યોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે. પોલીસના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, સાત સભ્યોના મૃતદેહ પૂણે શહેરથી લગભગ ૪૫ કિમી દૂર દાઉદ તાલુકાના યાવત ગામની સીમમાં ભીમા નદીના પુલ પાસે મૃતદેહ મળી આવ્યા હતા. તેમાંથી ચાર ૧૮-૨૧ જાન્યુઆરી અને ત્રણ મંગળવારે મળી હતી. સાતેય મૃતકો એક જ પરિવારના હતા, જેમાં એક વૃદ્ધ દંપતી, તેમની પુત્રી, જમાઈ અને ત્રણ પૌત્રોની લાશ મળી હતી.

મૃતદેહો ભીમા નદીના કિનારા પર એકબીજાથી લગભગ ૨૦૦ થી ૩૦૦ મીટરના અંતરે મળી આવ્યા હતા. જે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, હજી સુધી મોતનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે પોલીસ આત્મહત્યા સહિત તમામ એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે. બીજી તરફ ભીમા નદીમાંથી મૃતદેહો બહાર આવવાના સમાચારથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

રિપોર્ટસ અનુસાર, ભીમા નદીમાંથી મૃતદેહો શોધવાની પ્રક્રિયા સતત ૭ દિવસથી ચાલી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે ૧૮ જાન્યુઆરીના રોજ કેટલાક સ્થાનિક માછીમારો ભીમા નદીમાં જાળ નાખીને માછીમારી કરી રહ્યા હતા. ત્યારે જ મહિલાના મૃતદેહને સ્પર્શ થયો હતો. માછીમારોએ તેની જાણ પોલીસને કરતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતાં અને NDRF ની ટીમ બોલાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી. જે બાદ ૨૦ જાન્યુઆરીએ એક પુરુષની, ૨૧ જાન્યુઆરીએ ફરી એક મહિલા અને ૨૨ જાન્યુઆરીએ ફરી એક પુરુષની લાશ બહાર કાઢવામાં આવી હતી. પાંચ દિવસ વીતી ગયા પછી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો કે ૨૪ જાન્યુઆરીએ ફરી એકવાર એક્સાથે ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. ચોકાવનારી ઘટના એ છે કે સાતેય મૃતકો એક જ પરિવારના હતા.