ગુજરાતની જમીનમાંથી નીકળ્યો દારૂનો ખજાનો!

  • દારૂ સંતાડવા બુટલેગરોએ જમીન નીચે તૈયાર ૬ બાય ૪નો સ્પેશિયલ રૂમ બનાવ્યો.
  • ખોદકામ કરતા નીકળી દારૂની પેટીઓ જ પેટીઓ.

ઉના,

ગીર ગઢડામાં બુટલેગરો જાણે બેફામ બન્યા હોય અને જાણે પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. તેમાં આજે એક ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બૂટલેગરોએ દારૂ સંતાડવા સ્પેશિયલ એક ચોરખાનું બનાવ્યું. એ પણ જમીનની અંદર જ્યાં કોઈને ભાળ પણ ન થાય કે અહીંયા કોઈએ વસ્તું સંતાડી હશે. ત્યારે બેડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૂની હેરફેરની માહિતી પોલીસને પ્રાપ્ત થઈ હતી. જ્યાં પોલીસને બાતમી મળી હતી કે, તે સંતાડેલો દારૂની હેરાફેરી થવાની છે. તે પહેલા જ એલસીબીએ દરોડો પાડી ૧૫ લાખના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડયા.

ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની સીમમાં કુખ્યાત બુટલેગરે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઉતારીને હેરાફેરી કરવાની ફિરાકમાં હતો. જેની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડીને રૂ.૧૫ લાખની કિંમતનો ૩૨૪ પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપરથી ઉનાના ઉમેજ અને સામતેર ગામના બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. આ દારૂનો જથ્થો દમણના શખ્સે મોકલેલો હતો. જે અમરેલીના સાવરકુંડલાના શખ્સને આપવાનો હોવાનું પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે. આ દારૂનો જથ્થો પોલીસની નજરથી છુપો રહે તે માટે બુટલેગરે ચતુરાઈપૂર્વક પોતાની વાડીમાં બની રહેલા નવા મકાનની બાજુમાં હજમ ખાડા જેવું નજરે પડતા અંદાજે ૬ બાય ૪ની સાઈઝના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો જેને એલસીબીએ શોધી કાઢયો હતો. આ મામલે પોલીસે પકડાયેલા બંને બુટલેગરો ઉપરાંત દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશી દારૂની હેરફેરની પ્રવૃત્તિ ડામી દેવા પોલીસ વિભાગ હરક્તમાં આવી કામગીરી કરી રહ્યુ છે. ત્યારે ગતરાત્રીના વિદેશી દારૂની હેરફેરના રેકેટનો પર્દાફાશ થયો છે. જે અંગે પ્રાપ્ત વિગતો મુજબ, એલસીબીના પ્રવીણ મોરી, રાજુ ગઢીયાને બાતમી મળેલી કે, ઉમેજ ગામના કુખ્યાત બુટલેગર દિપુ જાદવે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. જેની તે હેરાફેરી કરવાની ફિરાકમાં છે. જેના આધારે એલસીબીના પીઆઈ એ.એસ.ચાવડા, પીએસઆઈ વી.કે. ઝાલાએ સ્ટાફના નરેન્દ્ર કછોટ, રામદેવસિંહ જાડેજા, પ્રફુલ વાઢેર, શૈલેષ ડોડીયા સહિતના સ્ટાફ સાથે ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની સીમમાં દિપુની વાડીએ દરોડો પાડયો હતો.ત્યારે વાડીમાં પડેલા એક ટ્રેક્ટર ટ્રોલીમાં તાલપત્રી નીચે છુપાવેલો વિદેશી દારૂની ૫૪ પેટીનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરતા પ્રથમ દૃષ્ટિએ દારૂનો જથ્થો મળતો ન હોવાથી વાડીએ હાજર ઉનાના ઉમેજ ગામનો કુખ્યાત બુટલેગર દિપક ઉર્ફે દિપુ ઉકા જાદવ તથા તેનો ભાણેજ સામેતર ગામનો સિધરાજ ગોહીલ બંનેની પૂછપરછ કરતાં વાડીના ખુણામાં નવું બની રહેલા મકાનની બાજુમાં જમીનમાં બનાવેલ ચોરખાનું બતાવ્યું હતુ. જેમાં તપાસ કરતા મોટો જથ્થો જોવા મળેલો જેને બહાર કાઢી ગણતરી કરતાં વિદેશી દારૂની ૨૫૦ પેટી તથા ૨૦ પેટી બીયરની મળી આવી હતી. આમ આ દરોડામાં કુલ વિદેશી દારૂની ૩૦૪ પેટી તથા બીયરની ૨૦ પેટીઓ મળી આવી હતી. જેની કુલ કિં. રૂ.૧૫,૦૭,૨૦૦ના જથ્થા ઉપરાંત વાડીમાંથી દારૂની હેરાફેરી માટે રખાયેલા ટ્રેકટર-ટ્રોલી નંગ ૩, બે મોબાઈલ મળી કુલ રૂ. ૩૦.૧૭ લાખના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો.આ દારૂનો જથ્થો દમણના જગદીશ ઉર્ફે જગીએ પુરો પાડેલો અને અમરેલી જિલ્લાના સાવરકુંડલાના સાગર લોહાણાએ મંગાવેલો હોવાનું પકડાયેલા બંને બુટલેગરોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે. જેના આધારે ગીરગઢડા પોલીસમાં ૩૦ લાખના મુદ્દામાલ સાથે પકડાયેલા બંને કૂખ્યાત બુટલેગરો દિપક ઉર્ફે દિપુ, સિધરાજ અને દારૂનો જથ્થો પૂરો પાડનાર દમણના જગી અને મંગાવનાર સાવરકુંડલાના સાગર સામે ગુનો નોંધી આગળની તપાસ એલસીબી પીએસઆઈ વી.કે.ઝાલાએ હાથ ધરી છે.

આ દરોડા અંગે એલસીબી પીઆઈ એ.એસ.ચાવડાએ જણાવેલ કે, ઉનાના ઉમેજનો કુખ્યાત બુટલેગર દિપક ઉર્ફે દિપુ જાદવે દારૂનો જથ્થો કોઈને મળી ન આવે તે માટે ચતુરાઈપૂર્વક વાડીમાં નવા બની રહેલા મકાનની બાજુમાં જ પ્રથમ દૃષ્ટિએ હજમ ખાડા જેવું નજરે પડે તેવું ચોરખાનું બનાવ્યું હતુ. દરોડા સમયે એક તબક્કે અમે પણ એવું જ સમજ્યા હતા, પરંતુ વાડીમાં મોટો જથ્થો ઉતર્યો હોવાની પાકી બાતમી હોવાથી બુટલેગર દિપુની આગવીઢબે પૂછપરછ કરતા તેણે જમીનમાં ધુળથી ઢાકેલ હજમ ખાડા જેવું દેખાતું ચોરખાનું ખોલી બતાવ્યું હતુ. જમીનમાં બનાવેલ આ ચોરખાનું અંદાજે ૬ બાય ૪ની સાઈઝનું હતુ. જેમાં ૨૭૦ પેટી દારૂ બીયરનો જથ્થો છુપાવ્યો હતો. આ ચોરખાનામાં એક સમયે એક જ વ્યક્તિ ઉતરી શકે તેટલી જ પ્રવેશની જગ્યા હતી.