પાકિસ્તાનમાં પીટીઆઇ નેતા ફવાદ ચૌધરીની ધરપકડ, હવે ઈમરાન ખાનનો વારો?

ઇસ્લામાબાદ,

પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીની બુધવારે વહેલી સવારે લાહોરમાં પોલીસે ધરપકડ કરી લીધી. તેમની પાર્ટીના નેતા ફારુખ હબીબના જણાવ્યાં મુજબ ચૌધરીને તેમના ઘરેથી અટકાયતમાં લેવાયા હતા. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાન સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

ધરપકડ થઈ તેના કલાક પહેલા તેઓ પાર્ટી કાર્યકરો સાથે લાહોરમાં પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન ખાનના જમાન પાર્ક ઘરની બહાર ભેગા થયા હતા. તેમનો દાવો હતો કે પાર્ટી પ્રમુખની ધરપકડ કરવાની સરકાર યોજના ઘડી રહી છે. પીટીઆઈના નેતાના ભાઈ ફૈસલ ચૌધરીએ જણાવ્યું કે તેમને તેમના ઘરની બહાર સવારે ૫.૩૦ વાગે વગર નંબર પ્લેટની ચાર કારમાં લઈ જવાયા. તેમણે કહ્યું કે પરિવારને ફવાદના લોકેશન અંગે જાણકારી નથી અને અમને તેમના વિરુદ્ધ એફઆઈઆર અંગે પણ કોઈ વિગતો આપવામાં આવતી નથી.

ચૂંટણી પંચના સચિવ ઉમર હમીદની ફરિયાદના આધારે ઈસ્લામાબાદના કોહસર પોલીસ મથકમાં પીટીઆઈના નેતા વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ ફરિયાદમાં ફવાદ વિરુદ્ધ પાકિસ્તાન દંડ સહિતાની કલમ ૧૫૩ એ (સમૂહો વચ્ચે દુશ્મની વધારવી), ૫૦૬ (અપરાધિક ધમકી), ૫૦૫(જાહેર શરારત કરનારું નિવેદન), અને ૧૨૪(એ) દેશદ્રોહનો ઉલ્લેખ છે.

ચૂંટણી પંચની ફરિયાદમાં કહેવાયું છે કે ચૌધરીએ પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન ખાનના ઘરની બહાર એક ભાષણમાં પાકિસ્તાન ચૂંટણી પંચને ધમકી આપી અને કહ્યું કે જે લોકો (પંજાબમાં) કાર્યવાહક સરકારનો ભાગ બનશે, તેમનો ત્યાં સુધી પીછો કરાશે જ્યાં સુધી તેમને દંડિત કરવામાં નહીં આવે.