ગોધરા તાલુકાના મડા મહુડી ગ્રામ પંચાયતના સરપંચને પદ પરથી દૂર કરાયા : ચૂંટણીમાં બોગસ જાતિ પ્રમાણપત્રથી સરપંચ બન્યા હતા.

  • મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા
  • ખોટા પ્રમાણપત્રમાં પંચમહાલ TDOએ હોદ્દા પરથી દૂર કર્યા; સમગ્ર પંથકમાં ભારે ચકચાર

ગોધરા તાલુકાના મડા મહુડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગસ જાતિ પ્રમાણપત્રના આધારે સરપંચ પદે ચૂંટાઈ આવેલા રંગીતાબેન સંજયભાઈ તડવીને જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ પદના હોદ્દા ઉપરથી દૂર કરવાનો હુકમ કર્યો. ત્યારબાદ ખોટા જાતિ પ્રમાણપત્રના આધારે સરપંચ બની જનાર આ ભેજાબાજ મહિલા રંગીતાબેન સંજયભાઈ તડવી સામે ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી ગોધરા પંથકમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.

આ ગંભીર પ્રકરણના કિસ્સાની વિગતો જોઈએ તો, મડા મહુડી ગ્રામ પંચાયતના સરપંચ પદની ચૂંટણીનો જંગ જીતી ગયેલા રંગીતાબેન સંજયભાઈ તડવી દ્વારા રજૂ કરવામાં આવેલા અનુ. જનજાતિનું રજૂ કરેલ પ્રમાણપત્ર બોગસ હોવાની રજૂઆત અરજદાર ફતેસિંહ કલસિંહ મોહનીયા દ્વારા કરાઈ હતી. ત્યારબાદ શરૂ થયેલા તપાસોના ધમધમાટોમાં આ ફરેબી પ્રમાણપત્રની સચ્ચાઈઓના બહાર આવેલા અહેવાલોની ગંભીર નોંધ લઈને પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારીઆ દ્વારા કાયદેસર સુનાવણીના અંતે મડા મહુડી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રંગીતાબેન સંજયભાઈ તડવીના શરમજનક કૃત્યની ગંભીર નોંધ લીધી હતી. તા.24 જાન્યુઆરીના રોજ રંગીતાબેનને સરપંચ પદ ઉપરના હોદ્દા ઉપરથી દૂર કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશ સાથે ફરેબી પ્રમાણપત્રના આધારે સરપંચ બનેલા આ ભેજાબાજ રંગીતાબેન તડવી સામે ગોધરા તાલુકા વિકાસ અધિકારી ગોધરા બી ડીવીઝનમાં કાયદેસરફરીયાદ દાખલ કરવા માટે પહોંચતા ગોધરા પંથકમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.