- બેથી વધારે બાળક હોવાને કારણે નોકરી જવાનો ડર હતો, મા-બાપે જ મારી નાખી.
- લોકોએ બાળકીને કેનાલમાંથી બહાર કાઢીને પાણી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
બિકાનેર,
રાજસ્થાનના બિકાનેરમાં પાંચ મહિનાની બાળકીને કેનાલમાં ફેંકી દેવાનો મામલો સામે આવ્યો છે. માસૂમને કોઈએ નહીં, પણ તેનાં માતા-પિતાએ ફેંકી દીધી હતી. વધુ આઘાતજનક બાબત એ છે કે આ હત્યા તેના પિતાએ પોતાની સરકારી નોકરી બચાવવા માટે કરી હતી. કોન્ટ્રેક્ટ પર મળેલી સરકારી નોકરીમાં મુશ્કેલી ન પડે એ માટે પિતા ઝંવરલાલે પુત્રી અંશિકા ઉર્ફે અંશુની હત્યા કરી હતી. પોલીસે આરોપી પિતા અને માતા બંનેની ધરપકડ કરી છે.
ઘટના બિકાનેરના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઝંવરલાલ ચાંદસર ગામમાં શાળા સહાયક તરીકે કોન્ટ્રેક્ટ પર કામ કરે છે. પોલીસ અધીક્ષક યોગેશ યાદવે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઝંવરલાલે તેની પત્નીને પણ સામેલ કરી હતી. તે બે દિવસ પહેલાં છત્તરગઢ સ્થિત તેના સાળાના ઘરે ગયો હતો. રવિવારે સાંજે ચાર સીએચડી સ્થિત સાળાના ઘરેથી દિયાતરા જતા સમયે રસ્તામાં બાળકીને કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ અહીંથી દિયાતરા પોતાના ઘરે જવા રવાના થયાં હતાં.
ઝંવરલાલ તેની પત્ની અને બે બાળક સાથે બાઇક પર હતો. રવિવારે સાંજે ૫ વાગ્યે દંપતીએ ૫ મહિનાની બાળકીને ઈન્દિરા ગાંધી કેનાલ ફેંકી દીધી હતી. માસૂમને ફેંકી દેવામાં આવતાં જોઈ કેટલાક લોકોએ બૂમાબૂમ કરતાં બાઇક સવાર માતા-પિતા ભાગી ગયાં હતાં. લોકોએ બાળકીને કેનાલમાંથી બહાર કાઢી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.
ઘટનાની માહિતી મળતાં જ છત્તરગઢ અને ખજુવાલા વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી. જ્યાં ખાજુવાલાના ટ્રેઇની સબ-ઇન્સ્પેક્ટર મુકેશ કુમારે કપલની બાઇક રોકી હતી. પૂછપરછ કરતાં ઝંવરલાલે સાળાના ઘરે ગયો હોવાનું જણાવ્યું. શંકા જતાં મુકેશ કુમારે તેનો ફોટો લીધો હતો. બાઇકનો ફોટો પણ લીધો. ઝંવરલાલનો આધારકાર્ડનો ફોટો પણ મોબાઈલમાંથી લેવામાં આવ્યો હતો. એ પછી તેને જવા દીધો હતો. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં દિયાતરાના લોકો પાસેથી ઝંવરલાલની માહિતી લેવામાં આવી હતી. આ પછી દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.
ઝંવરલાલને આશા હતી કે તે જલદી કાયમી બની જશે. નોકરીમાં એક શરત છે કે બેથી વધુ બાળકો ન હોવાં જોઈએ. એક બાળકીને કેનાલમાં ફેંકી દીધા બાદ પણ તેને ત્રણ બાળક છે. એમાંથી તેણે એક પુત્રીને તેના મોટા ભાઈને દત્તક આપી છે. તેમનું કહેવું છે કે બાળકી આકસ્મિક રીતે કેનાલમાં પડી ગઈ હતી.ઝંવરલાલે ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાનાં બે બાળકો હોવાનું એફિડેવિટ આપ્યું હતું. તેને ડર હતો કે બે કરતાં વધુ બાળકો હોવાને કારણે તે કાયમી નહીં થાય. આવી સ્થિતિમાં તેણે એક બાળકીને કેનાલમાં ફેંકીને તેની હત્યા કરી હતી.