નવીદિલ્હી,
અમેરિકામાં ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ઍમેઝૉન જેવી કંપનીઓ દ્વારા નોકરી પરથી કાઢી મૂકવામાં આવતાં હજારો ભારતીયો બેરોજગાર થયા છે. અમેરિકામાં રહેવા માટે હવે તેઓ ચોક્કસ સમયગાળામાં નોકરી શોધવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે વર્ક વિઝાની શરત મુજબ નોકરીમાંથી છૂટા થયા બાદ તેમણે નવી નોકરી શોધવી ફરજિયાત છે.
વૉશિંગ્ટન પોસ્ટના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે નવેમ્બર મહિનાથી ગૂગલ, માઇક્રોસોફ્ટ , ફેસબુક અને ઍમેઝૉન જેવી કંપનીઓએ બે લાખ આઇટી પ્રોફેશનલ્સને નોકરીમાંથી છૂટા કર્યા છે, જેમાં ૩૦થી ૪૦ ટકા ભારતીય છે. એમાંના મોટા ભાગના લોકો પાસે એચ-૧બી અને એલ-૧ વિઝા છે. એચ-૧બી વિઝામાં અમેરિકાની કંપનીઓ ટેક્નિકલ કુશળતા ધરાવનારા વિદેશ નિષ્ણાતોને નોકરી પર રાખી શકે છે. ટેક્નૉલૉજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીનમાંથી હજારો કર્મચારીઓને એના આધારે નોકરી પર રાખે છે. નોકરી છૂટી જતાં આ તમામ કર્મચારીઓ અમેરિકામાં રહેવાના વિકલ્પો શોધી રહ્યા છે.
ઍમેઝૉનમાં કામ કરતી ગીતા (નામ બદલ્યું છે) ત્રણ મહિના પહેલાં જ અમેરિકા આવી હતી. આ સપ્તાહે જ તેને કહેવામાં આવ્યું કે ૨૦ માર્ચ નોકરીમાં તેનો છેલ્લો દિવસ છે. હવે ૬૦ દિવસમાં તેણે નવી નોકરી શોધવાની છે, અન્યથા ભારત પાછા ફરવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હાલ દરેક આઇટી કંપની કર્મચારીઓને છૂટા કરી રહી છે એવા સંજોગમાં નજીકના ભવિષ્યમાં નવી નોકરી મેળવવી મુશ્કેલ છે. અન્ય એક આઇટી પ્રોફેશનલ સીતાને (નામ બદલ્યું છે) ૧૮મી જાન્યુઆરીના રોજ માઇક્રોસોફ્ટમાંથી છૂટી કરવામાં આવી હતી. તે એક સિંગલ મધર છે. તેનો પુત્ર હાઈ સ્કૂલના જુનિયર યરમાં છે, પરિણામે તેની હાલત મુશકેલ છે. આવી પરિસ્થિતિમાં મુકાયેલા લોકો માટે તેમની મિલક્તોનું વેચાણ કરવું પડી રહ્યું છે અને બાળકોના શિક્ષણ પર એની વિપરીત અસર પડી છે. ભારતીયોએ આઇટી પ્રોફેશનલને મદદ કરવા માટે સામૂહિક પ્રયાસો પણ શરૂ કર્યા છે. આ પરિસ્થિતિમાંથી માર્ગ શોધવા માટે તેમણે અલગ-અલગ વૉટ્સ્ઍપ ગ્રુપ પણ બનાવ્યાં છે.