પોરબંદર,
પોરબંદરમાં છેલ્લા ૮૦ વર્ષ કરતાં વધુ સમયથી કાર્યરત આર્યકન્યા ગુરુકુળ હોસ્ટલમાં રહીને અભ્યાસ કરતી સગીરાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. આ સગીર વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં સજાતીય સંબંધો માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ કર્યો છે. સગીરાએ સાથી વિદ્યાર્થીનીઓ પર સજાતીય સંબંધો માટે બળજબરી કર્યાના આક્ષેપ કર્યા છે. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતાં ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પોરબંદરની ખૂબ જ જાણીતી અને વિદ્યાર્થીનીઓનું શૈક્ષણિક ઘડતર કરતી સંસ્થા આર્યકન્યા ગુરુકુળની હોસ્ટેલમાં સામે આવેલા કિસ્સાએ ભારે ચર્ચા જગાડી છે. રવિવારે વાલી દિવસે વાલીઓ પોતાની પુત્રીઓને મળવા માટે અહીં આવ્યા હતા. ત્યારે એક સગીર વિદ્યાર્થીની એ પોતાના વાલીને જણાવ્યું હતું કે, હોસ્ટેલની કેટલીક સીનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા સજાતિય સંબંધ બાંધવા દબાણ કરવામાં આવે છે. સાથે જ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે તે સૂઇ રહી હોય ત્યારે બે વિદ્યાર્થીનીઓ દ્વારા કપડા કાઢી નિર્વસ્ત્ર કરવામાં આવે છે અને ગંદી હરક્તો કરવામાં આવે છે. અમુક વિદ્યાર્થીનીઓ દ્વારા દબાણ કરી સજાતીય સંબંધો બાંધવા માટે મજબૂર કરાતી હોવાનો દાવો વિદ્યાર્થીનીએ કર્યો હતો.
વિદ્યાર્થીનીનો આક્ષેપ હતો કે, તાજેતરમાં જ ખરાબ શબ્દોનો પ્રયોગ કરતી ચિઠ્ઠી પણ તેને આપી હતી. જેના પગલે ભોગ બનનાર વિદ્યાર્થીનીએ ચિઠ્ઠી જાહેર કરવાનું જણાવ્યું હતું. જે બાદ સીનિયર વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે, તેઓ ભોગ બનનાર વિદ્યાર્થીનીનું નામ લખી આપધાત કરી લેશે. વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ વાલી ચોંકી ઉઠ્યા હતા અને તેઓ પોતાની દીકરીને ગુરુકુળમાંથી લિવિંગ સર્ટિફિકેટ કઢાવીને લઇ ગયા હતા.
આ સમગ્ર મામલાની જાણ થતાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના સભ્ય ચેતનાબેન તિવારી તાત્કાલિક ગુરુકળ આવી પહોંચ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, અગાઉ પણ વિદ્યાર્થીનીઓએ આ પ્રકારની ફરિયાદ કરી હતી, છતાં કેમ સંસ્થા દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નહીં? સાથે જ તેમણે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થામાં આવું ચલાવી ન લેવાય. નોંધનીય છે કે, મળતી માહિતી અનુસાર આક્ષેપ કરનાર સગીર વિદ્યાર્થીનીના વાલીએ આ મામલે ફરિયાદ કરવાની ના પાડી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ ગુરુકુળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં કોલેજના પ્રિન્સિપાલ અનુપમ નાગરે જણાવ્યું હતું કે, વર્ષોથી જળવાયેલી સંસ્થાની પ્રતિષ્ઠાને બદનામ કરવા માટેનું કાવતરું છે. સાથે જ તેમણે આવું કંઇક બન્યું હોવા અંગે ઇનકાર કર્યો હતો. ઉપરાંત પ્રિન્સિપાલ રંજનાબેન મજીઠીયાએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર વિદ્યાર્થીનીએ એક મહિના પહેલા જ દાખલો મેળવ્યો હતો. તેને અહીં ન રહેવું હોવાથી આવી સ્ટોરી ઘડી હતી. સાથે જ ચિઠ્ઠી પણ તેણે પોતે જ લખી હોવાનું જણાવ્યું હતું.