તાપી,
ગુજરાતના તાપી જિલ્લાની એક અદાલતે મહારાષ્ટ્રમાંથી ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેર કરવા બદલ ૨૨ વર્ષીય યુવકને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આ મામલામાં ચુકાદો આપતા કહ્યું કે, જે દિવસે ગાયના લોહીનું એક ટીપું પૃથ્વી પર નહીં પડે તે દિવસથી પૃથ્વીની તમામ સમસ્યાઓ દૂર થશે.
અહેવાલ અનુસાર, સેશન્સ જજ એસ.વી.વ્યાસે જિલ્લા કોર્ટમાં જણાવ્યું હતું કે, ધર્મ ગાયમાંથી જન્મે છે, કારણ કે ધર્મ બળદના રૂપમાં હોય છે અને ગાયનો પુત્ર બળદ કહેવાય છે. મોહમ્મદ અમીન આરીફ અંજુમના કેસમાં ચુકાદો આપતા કોર્ટે આ જણાવ્યું હતું. મોહમ્મદ અમીન આરિફ અંજુમની જુલાઇ ૨૦૨૦માં ટ્રકમાં ૧૬થી વધુ ગાયો અને વાછરડાઓને ગેરકાયદેસર રીતે પરિવહન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેઓને દોરડા વડે બાંધવામાં આવ્યા હતા, જેમાં ખોરાક કે પાણીની કોઈ સગવડ નથી.બાર અને બેંચના અહેવાલ મુજબ, કોર્ટે એક સંસ્કૃત શ્લોક પણ વાંચ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો ગાય લુપ્ત થઈ જશે તો બ્રહ્માંડનું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. વેદના તમામ છ ભાગની ઉત્પત્તિ ગાયને કારણે થઈ છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાયોને મારવી એ અસ્વીકાર્ય છે.
આ સિવાય કોર્ટે ગાયના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે વિજ્ઞાને સાબિત કર્યું છે કે ગાયના છાણથી બનેલા ઘરો પરમાણુ રેડિયેશનથી પ્રભાવિત થતા નથી. ગૌમૂત્રનો ઉપયોગથી અનેક અસાધ્ય રોગોનો ઈલાજ છે. જસ્ટિસ એસવી વ્યાસે આ કેસમાં ૨૬ પેજનો મોટો ચુકાદો આપ્યો છે.
અહેવાલ અનુસાર, ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે, ગાય માત્ર એક પ્રાણી નથી, પરંતુ તે માતા છે, તેથી જ તેનું નામ ગાય માતા રાખવામાં આવ્યું છે. ગાય જેવો ઉપકાર કોઈ કરી શકે નહિ. ગાય ૬૮ કરોડ પવિત્ર સ્થાનો અને ૩૩ કરોડ દેવતાઓ સાથે જોડાયેલી છે. જે દિવસે ગાયના લોહીનું એક ટીપું પૃથ્વી પર નહીં પડે તે દિવસે પૃથ્વીની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને પૃથ્વીનું કલ્યાણ થશે.