કોલકાતા,
ટીમ ઈન્ડિયાના ફાસ્ટર મોહમ્મદ શમીએ દર મહિને પત્ની હસીન જહાંને ભરણપોષણ આપવું પડશે. કોલકાતાની નીચલી અદાલતે સોમવારે આ આદેશ આપ્યો હતો. આ રકમ ૧ લાખ ૩૦ હજાર રૂપિયા હશે, જેમાં હસીન જહાં માટે ૫૦ હજાર રૂપિયા અને તેની પુત્રીના ખર્ચ માટે ૮૦ હજાર રૂપિયાનો સમાવેશ થાય છે. બંને ૨૦૧૮થી અલગ રહે છે અને બંને વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.
હસીન જહાંએ ૨૦૧૮માં કોર્ટમાં ૧૦ લાખ રૂપિયાના માસિક ભરણપોષણની માગણી કરીને કેસ દાખલ કર્યો હતો, જેમાં ૭ લાખ રૂપિયા તેમનું અંગત જીવન ભથ્થું હતું અને ૩ લાખ રૂપિયા દીકરીના ભરણપોષણનો ખર્ચ હતો.
હસીન જહાં વર્ષ ૨૦૧૧માં શમીને મળી હતી. એ દરમિયાન તે આઇપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચીયરલીડિંગ કરતી હતી. બંનેએ વર્ષ ૨૦૧૪માં લગ્ન કર્યાં હતાં. હસીન જહાંએ લગ્ન બાદ મોડલિંગ અને એક્ટિંગ છોડી દીધી હતી. ૨૦૧૮માં જહાંએ શમી પર ઘરેલુ હિંસા અને મેચ ફિક્સિંગ સહિતના ઘણા આરોપો લગાવ્યા હતા. ત્યારથી બંને અલગ રહેવા લાગ્યાં અને ત્યારથી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. ૨૦૧૮માં હસીન જહાંએ ફરીથી પોતાનું પ્રોફેશન શરૂ કર્યું હતું.
હસીનના વકીલ મૃગંકા મિીએ કોર્ટને જણાવ્યું હતું કે ૨૦૨૦-૨૧માં શમીની વાષક આવક ૭ કરોડ રૂપિયા હતી. તેના આધારે જ ભરણપોષણની માગણી કરવામાં આવી હતી. તેમની દલીલ એવી હતી કે રૂ. ૧૦ લાખનું ભરણપોષણ ગેરવાજબી નથી. અપીલમાં શમીના આવકવેરા રિટર્નનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના પર શમીના વકીલ સેલીમ રહેમાને દાવો કર્યો કે હસીન જહાં પોતે એક પ્રોફેશનલ ફેશન મોડલ છે. તે પોતે કમાઈ રહી છે. એટલા માટે આટલું બધું ભરણપોષણ યોગ્ય નથી. માર્ચ ૨૦૧૮માં શમીનો કરાર બીસીસીઆઇ દ્વારા સમાપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે તેની પત્ની હસીન જહાંએ તેના પર ઘરેલુ હિંસા અને મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. તપાસમાં શમી નિર્દોષ જણાયો હતો. થોડા દિવસો પછી બોર્ડે કોન્ટ્રેક્ટ રિન્યુ કર્યો હતો.
શમી ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સિરીઝ રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયા આ દ્વિપક્ષીય શ્રેણીમાં ૨-૦થી આગળ છે. મંગળવારે સિરીઝની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. શમી આ મેચમાં સામેલ થઈ શકે છે.