૧૦ થી ૪૦ ટકા સુધીનું વ્યાજ વસૂલનાર શહેર કોંગ્રેસના પ્રવક્તા સહિત ૩ વ્યાજખોર ઝડપાયા

અમદાવાદ,

રાજ્ય સહિત શહેરોમાં વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. બધાની વચ્ચે અમદાવાદ આથક ગુના નિવારણ શાખાએ ૧૦થી ૪૦ ટકા સુધીનું વ્યાજ વસૂલનાર શહેર કોંગ્રેસના પ્રવક્તા સહિત ૩ વ્યાજખોરની ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પર આરોપ છે કે વ્યાજે પૈસા લેનાર પીડિતે ૩.૭૮ કરોડની સામે ૯.૯૫ કરોડ ચૂકવ્યા છતાં ૩.૩૬ કરોડની ઉઘરાણી કરી હતી.ઉપરાંત, ફરિયાદીની મિલક્ત પચાવી લેવા પણ ધમકી આપી હતી. જયેન્દ્રસિંહ પરમાર નામનો આરોપી કોંગ્રેસના શહેર પ્રવક્તા તરીકેની જવાદારી નિભાવી રહ્યો છે. આ જ આરોપી નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર પણ હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ હેલ્થ કેર કંપનીની સીઈઓની પણ ધરપકડ કરવામાં આવી છે. બીજીબાજુ ગુનામાં ફરાર અન્ય ત્રણ આરોપી વિજય ઠક્કર, નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડ અને જાગૃત રાવલની શોધખોળ હાથ ધરી છે.

જયેન્દ્ર પરમારે જીગીશભાઇ રતિભાઇ પટેલને. ૩૮ લાખ ૧૦ ટકાના વ્યાજે આપ્યા હતા. તેની સામે અંદાજિત એક કરોડ રૂપિયા વસૂલી ૩૮ લાખ બાકી હોવાની ઉઘરાણી કરી હતી. સાથે જ ઝડપાયેલી મહિલા આરોપી નિરાલી શાહે જીગીશભાઇને એક કરોડ ૩૩ લાખ ૬૦ હજાર રૂપિયા ૧૦ટકા ના વ્યાજે આપ્યા હતા, જેની સામે ૧. ૮૨કરોડ વસૂલી લીધા છે. ઉપરાંત જે મકાનમાં રહેતી હતી તે મકાનનું ફર્નિચર અને ભાડું પણ ફરિયાદી પાસે ભરાવ્યું હતું, તેમ છતાં એક કરોડ ૯૦ લાખની બાકી ઉઘરાણી માટે છ ચેકો પણ બળજબરીથી પડાવી લીધા હતા. તો અન્ય આરોપી હેમાંગ પંડિતે જીગીશભાઇને ૩૮ લાખ રૂપિયા આપ્યા હતા. તેની સામે ૯૩.૫૦ લાખ વસૂલી ૧૪ લાખ પડાવવા ધમકી આપવામાં આવતી હતી.

પોલીસને આરોપીઓના ઘરેથી ૨૦ કોરા ચેક, ૧૧ પ્રોમિસરી નોટ, ૪કોરા સ્ટેમ્પ, ડેઈલી વ્યાજના હિસાબની ડાયરી અને વાઉચરો મળી આવ્યા છે. જેમાથી નિરાલી ના ઘરેથી ૧૫ લાખની રિસિપ્ટ મળી છે. જાગૃત રાવલના ઘરેથી ૨૦ કોરા ચેક, પ્રોમિસરી નોટ સહિતના દસ્તાવેજી પુરાવા કબ્જે કર્યા છે. આ ગુનામાં ફરાર આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડે ૯૨ લાખની સામે ૪૦ ટકા વ્યાજ વસૂલી ત્રણ કરોડ ૬૧ લાખ તથા મણિપુર ગામનો પ્લોટ પણ પોતાના નામે કરાવી લીધો હતો. તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ૪૦ ટકા સુધીનું વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે તેમના બેંક સ્ટેટમેન્ટ વ્યાજખોરીના રૂપિયામાંથી ખરીદેલી મિલક્ત અંગે તપાસ હાથ ધરી છે. આરોપીઓના ત્રાસથી કંટાળી ફરિયાદી આત્મહત્યા કરવા માટે પણ મજબૂર બન્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી આત્મહત્યા માટે ઘર છોડીને પણ જતો રહ્યો હતો. પોલીસ એ તેને સહી સલામત શોધી કાઢ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થઈ રહી છે તેમ છતાં વ્યાજખોરોનો આતંક ઘટતો નથી, દિવસે દિવસે વધી રહ્યો છે.

શેલાના કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા યુવકે બોપલ પોલીસ મથકે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. રૂ. અઢી કરોડ વ્યાજે લીધા બાદ રૂ. ૧૫ કરોડથી વધુની ચૂકવણી કરી હોવા છતાં હજુ પણ મૂડી બાકી હોવાનું જણાવી ધાકધમકી આપતા છેવટે ફરિયાદ નોંધાઈ છે. રૂ. અઢી કરોડ માટે વ્યાજખોરો અઠવાડિયાનું રૂ. ૧૦ લાખનું વ્યાજ વસૂલ કરતા હતા. આમ, અઢી વર્ષમાં વ્યાજ પેટે જ રૂ. ૧૨ કરોડ ચૂકવ્યા છતાં હજુ મૂડી બાકી હવાનું જણાવી તેમના ઘરનું પઝેશન લેવા આવેલા વ્યાજખોરો મોંઘી કાર વ્યાજ પેટે પણ લઈ ગયા હતા.

શેલામાં રહેતા મયૂરસિંહ વાઘેલા (ઉ.વ.૪૨) કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. તેમણે સાણંદ ખાતે એક સ્કિમ મૂકી હતી, જેમાં લેટ અને કોમસયલ દુકાનો બનાવવામાં આવી હતી. કન્સ્ટ્રક્શનના કામ માટે તેમને રૂપિયાની જરૂર પડતા નંદકિશોર રાઠોડ (રહે. એસ.જી. હાઈવે) અને અસિત શાહ (રહે. થલતેજ) પાસેથી ટુકટે ટુકડે રૂ. અઢી કરોડ અઠવાડિક ૪ ટકાના વ્યાજે આપ્યા હતા. ત્યારબાદ મયૂરસિંહે અઠવાડિક ૪ ટકા મુજબ રૂ. ૧૦ લાખ પ્રમાણે અઢી વર્ષમાં રૂ. ૧૨ કરોડ ચૂકવી દીધા હતા.

આ ઉપરાંત તેમણે સાણંદ ખાતેની સ્કીમના પહેલા માળે આવેલી ૮ દુકાનો કિ. રૂ. ૨.૭૦ કરોડ અને સ્કીમના પેન્ટ હાઉસ રૂ. ૫૫ લાખ પણ આપી દીધા હતા. આટલું ઓછું હોય તેમ મયૂરસિંહ જે મકાનમાં રહે છ તેના પણ ૨૦૨૧માં સાણંદ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે અસિત શાહે દસ્તાવેજ કરાવી લીધા હતા. આમ, વ્યાજ પેટે આપેલી રકમ કરતા અનેક ગણી વધુ રકમ વસૂલી હોવા છતાં હજુ પણ તેઓ મયૂરસિંહના મકાનનું પઝેશન લેવા માટે ધાકધમકી આપતા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી આપેલા પૈસા વ્યાજ પેટે ગણી હજુ રૂ. અઢી કરોડની મૂડી બાકી હોવાનું જણાવી ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપતી હતા. મયૂરસિંહના ઘરેથી તેમના ભાઈની ફોર્ચ્યુનર કાર પણ બળજબરીથી વ્યાજ પેટે પડાવી લીધી હતી. આમ, રૂ. અઢી કરોડના વ્યાજ પેટે લીધેલી રકમના રૂ. ૧૨ કરોડ વ્યાજ તથા અન્ય મકાનો મળી કુલ રૂ. ૧૫ કરોડથી વધુની ચૂકવણી કરી હોવા છતાં હજુ પણ મૂડી બાકી હોવાનું જણાવી ધાકધમકી આપતા છેવટે મયૂરસિંગે આ અંગે બોપલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.