અશાંતધારાનો ભંગ કરનારને 3થી 5 વર્ષની કેદ થશે, રાષ્ટ્રપતિએ આપી લીલીઝંડી

અશાંતધારાનો ભંગ કરનારને 3થી 5 વર્ષની કેદ થશે. આ બાબતને વિધેયકને રાષ્ટ્રપતિની લીલીઝંડી મળી ચુકી છે. ગુજરાત વિધાનસભાગૃહમાં ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાપન મિલકતની તબદીલી ઉપર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવાથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબતનો સુધારા વિધેયક વર્ષ 2019માં પાસ કરવામાં આવ્યું હતું.

આ કાયદો ગુજરાત વિધાનસભામાં પાસ કરાયો હતો. આ મામલે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, હવેથી મિલકતની ગેરકાયદે તબદિલી પર રોક લાગી જશે અને અશાંતગ્રસ્ત વિસ્તાર નક્કી કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, હવેથી અશાંત ધારાનો ભંગ કરનારને 3-5 વર્ષની જેલ અને એક લાખની દંડની જોગવાઈ કરાઈ છે.

શુ છે અશાંતધારો?

અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો.