- કોવિડ કેન્દ્રની ઉભારણી સંબંધિત શાસકીય યંત્રણાએ કરી હતી, તેમાં મહાનગરપાલિકાના પૈસા વપરાયા નહોતા.
મુંબઈ,
કોવિડ મહામારી દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ કોવિડ સેન્ટર માટે મનુષ્યબળના પુરવઠા માટે આપેલા કૉન્ટ્રેક્ટમાં સો કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનો આરોપ પાલિકા પ્રશાસન પર કરવામાં આવ્યો હતો. આ આરોપ બિનપાયાદાર હોવાનો દાવો પાલિકા પ્રશાસને કરતા સ્પષ્ટતા આપી છે.
કોવિડ સેન્ટરમાં મનુષ્યબળના પુરવઠા માટે આપેલા કૉન્ટ્રેક્ટમાં ૧૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાના આરોપ પર પાલિકા પ્રશાસને એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા આપી હતી કે રાજ્ય સરકારના નિર્દેશ મુજબ દહીંસર, ગોરેગાંવના નેસ્કોમાં, બાંદ્રાના બીકેસી મેદાન, મુલુંડ અને વરલીના નેશનલ સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ઓફ ઈન્ડિયામાં કોવિડ સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં હતાં. આ સેન્ટર માટે ડૉક્ટર, નર્સ, ટેક્નિશિયન, વોર્ડબોય જેવા મનુષ્યબળના પુરવઠા માટે પાલિકાએ વિવિધ સંસ્થાને કૉન્ટ્રેક્ટ આપ્યો હતો, કારણ કે કોવિડ કેન્દ્રની ઉભારણી સંબંધિત શાસકીય યંત્રણાએ કરી હતી, તેમાં મહાનગરપાલિકાના પૈસા વપરાયા નહોતા.
દહીંસર અને એનએસસીઆઈ આ બે કોવિડ સેન્ટર માટે મેસર્સ લાઈફલાઈન હૉસ્પિટલ મૅનેજમેન્ટ સવસને ડૉક્ટર, નર્સ, ટેક્નિશિયન અને વોર્ડબોય જેવું મનુષ્યબળનો પુરવઠો કરવાનું કામ તમામ પ્રક્રિયાનું પાલન કરીને આપવામાં આવ્યું હતું. આ બંને કોવિડ સેન્ટર માટે મેસર્સ લાઈફલાઈને કૉન્ટ્રેક્ટ આપવાનો ઈનકાર કર્યા બાદ પાલિકા પ્રશાસને તેમણે આપેલા દર ઓછા કરવા તે માટે વાટાઘાટ કર્યા બાદ સંસ્થા ઓછા દરે કામ કરવા તૈયાર થઈ હતી. ત્યારબાદ પાલિકાએ આ સંસ્થાને એનએસસીઆઈ કોવિડ સેન્ટર માટે ૩ કરોડ ૩૬ લાખ અને દહીંસર કોવિડ સેન્ટર માટે ૨૯ કરોડ ૭૭ લાખ એમ કુલ ૩૩ કરોડ ૧૩ લાખ રૂપિયા આપ્યા હતા. તેથી આ કામમાં સો કરોડનું કૌભાંડ થયું હોવાનો આરોપ ખોટો હોવાની સ્પષ્ટતા પાલિકાએ કરી છે.
પાલિકાએ એવો પણ દાવો કર્યો છે કે કૉન્ટ્રેક્ટરને પાલિકાએ કરાર મુજબ પૈસા ચૂકવી દીધા હતા. એ દરમિયાન ડૉક્ટર, નર્સ જેવા સ્ટાફને પગાર મળ્યો ન હોવાની કોઈએ ફરિયાદ કરી નહોતી. જ્યારે મેસર્સ લાઈફલાઈન હૉસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસ સામે ફરિયાદો આવી ત્યારે આરોપની નોંધ લઈને પાલિકાએ એક આસિસ્ટન્ટ કમિશનર અને એક ડેપ્યુટી કમિશનરની એક તપાસ સમિતિ બનાવી હતી. તપાસ દરમિયાન તમામ પુરાવા અને જુબાનીને આધારે સમિતિએ અહેવાલ આપ્યો હતો. આ દરમિયાન કૉન્ટે્રક્ટર કંપનીએ ખોટા દસ્તાવેજો આપ્યા હોવાનું જણાઈ આવતા પાલિકાએ પોતે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં બે વખત પત્ર વ્યવહાર કર્યો હતો અને કંપનીના દસ્તાવેજો ખોટા છે કે નહીં તેની તપાસ કરવા માટે એફઆઈઆર દાખલ કરવા માટે પણ પ્રશાસને પોલીસને રજૂઆત કરી હોવાનો દાવો પાલિકાએ કર્યો છે.