કલોલમાં ભજિયાંની લારી ચલાવતો યુવક વ્યાજની ચુંગાલમાં ફસાઈ જતાં મોતને વહાલું કર્યું,

કલોલ,

ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનો ફાયદો ઉઠાવી ગેરકાયદે ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરો દિવસે ને દિવસે વધતા જાય છે. છેલ્લા ૨૦ દિવસમાં જ ગુજરાતમાં સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં અનેક વ્યાજખોરો વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ઘણાખરા વ્યાજખોરો વિરુદ્ધ પાસા પણ કરી દેવામાં આવી છે.

રાજ્યમાં સૌપ્રથમ વ્યાજખોરો વિરુદ્ધ ગુજરાત રાજ્ય પોલીસે એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત ટૂંકા ગાળામાં જ ઘણાખરા વ્યાજખોરોને પોલીસે દિવસે તારા બતાવી દીધા છે. વ્યાજનું એ વ્યાજ કરી કરીને નાની રકમને મોટી બનાવી લોકોનું લોહી ચૂસતા વ્યાજખોરો વિરુદ્ધ કડક પગલાં લેવા રાજ્યની પોલીસ કટિબદ્ધ થઈ ગઈ છે. વ્યાજની ચુંગાલમાં ફસાઈને પરિવાર પીંખાઈ ન જાય એ માટે પોલીસ એક્શન મોડમાં આવીને વ્યાજખોરો વિરુદ્ધ પગલાં ભરી રહી છે.

એક પરિવાર કલોલનો વ્યાજખોરોની ચુંગાલમાં આવીને પિસાઈ ગયો છે. કલોલના મોટા ઠાકોરવાસમાં રહેતા વિનોદભાઈ કાનાજી ઠાકોર, જેઓ જૈન દેરાસર પાસે, ગાયોના ટેકરે ભજિયાંની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ભજિયાંની લારી ચલાવતાં ચલાવતાં વ્યાજખોરોની ચુંગાલમાં વિનોદજી ક્યારે ફસાઈ ગયા એનો ખ્યાલ પણ ખ્યાલ ન આવ્યો. નાની નાની મૂડી લેતાં તેઓ મોટી ચુંગાલમાં ફસાઈ જતાં આખરે તેમણે કેનાલમાં કૂદકો મારી પોતાનું જીવન ટૂંકાવ્યું.ચિઠ્ઠીમાં લખ્યું કે ’મારા પરિવારને હેરાન ન કરતા’ વિનોદભાઈ ઠાકોરનો મૃતદેહ જ્યારે કેનાલમાંથી રિકવર કરવામાં આવ્યો ત્યારે તેમના ખિસ્સામાંથી તમામ વ્યાજખોરોનાં નામ તેમજ રકમ સાથેની ચિઠ્ઠી મળી હતી. એ ચિઠ્ઠીમાં તેમણે તમામ વ્યાજખોરોનાં નામ અને તેમની સામે રકમ પણ લખેલી હતી. એમાં ઘણી જગ્યાએ તેમણે એવો પણ ઉલ્લેખ કરેલો છે કે લીધેલા પૈસા કરતાં વધુ પૈસા પણ આપી દીધા તેમ છતાં માગણીઓ પૂરી થઈ નથી. વિનોદભાઈએ ચિઠ્ઠીમાં એવું પણ લખેલું છે કે ’મારા પરિવારને હેરાન ન કરતા’.

વિનોદભાઈ વ્યાજખોરોથી એટલી હદ સુધી કંટાળી ગયા હતા કે તેમણે આખરી નિર્ણય લઈને કેનાલમાં ઝંપલાવી દીધું હતું. ચિઠ્ઠીમાં તેમણે પોતાના ઘરનો મોબાઇલ નંબર પણ લખ્યો હતો અને ચિઠ્ઠી એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી, એ થેલી ખિસ્સામાં મૂકી ત્યાર બાદ તેમણે કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જેથી કરીને ખિસ્સામાં રાખેલી ચિઠ્ઠી પલળી ન જાય એ ગણતરીથી વિનોદે ચિઠ્ઠીને પ્લાસ્ટિકની કોથળીની અંદર રાખી દીધી હતી.કલોલ મોટા ઠાકોરવાસમાં રહેતા ઠાકોર પરિવારને એવો અંદાજો પણ ન હતો કે ઘરનો વિનોદ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ગયો છે અને તે આવું આખરી પગલું ભરી લેશે. તેમની લાશ કડી વિસ્તારની કેનાલમાંથી મળતાં કડી પોલીસે એ બાબતનો ગુનો નોંધી આગળથી કાર્યવાહી હાથ ધરી છે.