રાજકોટ,
શહેરમાં કોર્પોરેટર પુત્રની રિવોલ્વર સાથે રોફગીરીનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયો મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, સમગ્ર મામલે પોલીસ દ્વારા કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે કે કેમ, તે અંગે સવાલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના વોર્ડ નંબર ૬ના કોર્પોરેટર દેવુંબેન જાદવના પુત્ર નિલેશ જાદવનો એક વીડિયો વાયરલ થયો છે. જે વાયરલ થયેલા વીડિયોમાં નિલેશ જાદવના ડાબા ભાગના કમરે હથિયાર લટકાવ્યું હોય તે પ્રકારનો વીડિયો વાયરલ થયો છે. નિલેશ જાદવે પોતાના ડાબા ભાગના કમરે લટકાવેલું હથિયાર અન્ય કોઈનું નહીં પરંતુ પોતાના પિતાનું જ હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. વીડિયોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, હથિયાર સાથે તેમાં ઉપયોગમાં લેવામાં આવનાર ગોળીઓ પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સાથે જ કાર ઉપર ચેરમેન શ્રી માર્કેટ સમિતિ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ લખેલું જોવા મળે છે.
તેમજ આ વીડિયો જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે અન્ય છથી વધુ વ્યક્તિઓ પણ ત્યાં હાજર હોય તેવું પણ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા નિલેશના પિતાનું પરવાનાવાળું હથિયાર રદ કરવામાં આવે છે કે કેમ, તે પણ જોવું અતિમહત્વનું બની રહેશે. અન્ય કિસ્સાઓમાં આ પ્રકારે વીડિયો વાયરલ થયો હોય તો વીડિયો બનાવનાર તેમજ જે વ્યક્તિનો વીડિયો હોય તેની પાસે પોલીસ માફી મંગાવતી હોય તે પ્રકારનો વીડિયો બનાવતી હોય છે. તેમજ તેના વિરુદ્ધ ગુના પણ દાખલ કરતી હોય છે. ત્યારે આ કિસ્સામાં પોલીસ એ જ પ્રકારની કડક કાર્યવાહી કરશે કે કેમ, તે જોવું રહ્યું. હાલ તો ભાજપના વોર્ડ નંબર ૬ના કોર્પોરેટર પુત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.