ગાંધીનગર,
ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી બીએપીએસ સ્કૂલ તરફ જતાં રોડ ઉપર ગઈકાલે રાતના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. રાયસણ વિસ્તારમાં મોટાપાયે બિલ્ડરોની કન્સ્ટ્રક્શન સાઈટ બિલાડીના ટોપની માફક ચાલી રહી છે. જો કે પોતાની સાઇટની જાહેરાતો માટે બિલ્ડરો દ્વારા સિંગલ પટ્ટી રોડને અડીને લાઈન સર બોર્ડ ખડકી દેવામાં આવ્યાં છે. જેનાં કારણે ઘણીવાર નાના મોટા અકસ્માતો થવાની ઘટના સામે આવતી રહેતી હોય છે.
ગઈકાલે પણ સિંગલ પટ્ટી રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાયસણ ગામ વૃંદાવન બંગલોની સામેના ખેતરમાં રહેતો ધવલ ભૂપતભાઈ રાવળ તેના મિત્રો જીગર કાંતિભાઈ રાવળ, પ્રવીણ લાભૂભાઈ રાવળ(કુડાસણ) અને, વિપુલ વીરસંઘ રાવળ અને હાર્દિક નવીનભાઈ પટેલ (રાયસણ) ગઈકાલે રાતના આઠેક વાગ્યાના અરસામાં ભેગા થયા હતા. બાદમાં નવેક વાગ્યાના અરસામાં વિપુલ અને જીગરે ઘરે મુકી જવાની વાત કરી હતી. આથી પાંચેય મિત્રો હાદકની વર્ના કારમાં નીકળ્યા હતા.
આ વખતે કાર પ્રવીણ ચલાવી રહ્યો હતો ત્યારે BAPS સ્કૂલથી થોડેક આગળ જતાં રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે પૂરપાટ ઝડપે કાર અથડાઈ હતી. જેનાં કારણે પ્રવિણે કાર પરનો કાબુ ગુમાવી દઈ કન્સ્ટ્રક્શન સાઈટની જાહેરાતના બે ત્રણ બોર્ડ સાથે કાર અથડાતા બે ત્રણ વખત પલ્ટી મારી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં પ્રવીણ અને હાર્દિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ધવલ, જીગર અને વિપુલને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ લઈ જવાયા હતા. જે પૈકી ધવલની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે હાર્દિકના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ૨૬ વર્ષીય હાર્દિકના પત્ની અને બે નાના બાળકો છે. જ્યારે તેના પિતા નવીનભાઈ પટેલ બિલ્ડર છે. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.