સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૭૦ હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. દેશમાં ૨૪ કલાકમાં નવા ૭૦,૪૯૬ કેસ નોંધાયા છે. જ્યારે આ સમય દરમિયાન કોરોનાથી ૭૮,૩૬૫ લોકો સાજા થયા છે. સાજા થવાનો દર ૮૫.૫ ટકા રહૃાો છે. આ સાથે દેશમાં ૨૪ કલાકમાં ૯૬૪ લોકોનાં કોરોનાથી મૃત્યું થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને કારણે કુલ ૧,૦૬,૪૯૦ લોકોમાં મૃત્યું થયા છે. દેશમાં મોતની ટકાવારી ૧.૫ ટકા છે.
આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા ૮,૯૩,૫૯૨ પર પહોંચી છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૬૯,૦૬,૧૫૧ થઈ છે. જેમાંથી કુલ ૫૯,૦૬,૦૬૯ દર્દી સાજા થયા છે. કુલ પોઝિટિવ કેસની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્ર્વમાં બીજા નંબર પર રહૃાું છે. આ સાથે સતત છઠ્ઠા દિવસે દેશમાં કોરોનાથી મોતની સંખ્યા એક હજારથી ઓછી રહી છે. સાથે જ સતત છઠ્ઠા દિવસે દેશમાં કોરોનાને પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
કુલ સક્રિય કેસ પણ હવે નવ લાખથી નીચે આવી ગયા છે. ગઈકાલે ૭૮.૫ હજાર કોરોનાના કુલ પોઝિટિવ કેસ નોંધાયા હતા. બીજી તરફ કેરળમાં ૧૭ દિવસ બાદ પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. તામિલનાડુની વાત કરવામાં આવે તો અહીં મોતનો આંકડો ૧૦ હજારને પાર કરી ગયો છે.
દિલ્હીમાં ૨૯ દિવસમાં કોરોનાના કેસ બે લાખમાંથી ત્રણ લાખ થયા: નવી દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ત્રણ લાખ થઈ ગઈ છે. ગુરુવારે દિલ્હીમાં કોરોનાના નવાં ૨,૭૨૬ કેસ નોંધાયા છે. દિલ્હીમાં ગુરુવાર સુધી કોરોનાના ત્રણ લાખ ૮૩૩ કેસ નોંધાયા છે. દિલ્હીમાં દર્દીઓની સંખ્યા એક લાખ પહોંચતા ૧૨૬ દિવસ લાગ્યા હતા. બાદમાં એક લાખમાંથી બે લાખ સુધી પહોંચવામાં ૬૫ દિવસ લાગ્યા હતા. હવે બે લાખમાંથી ત્રણ લાખ કેસ થવામાં ફક્ત ૨૯ દિવસ લાગ્યા છે. આ સાથે દિલ્હીમાં કોરોનાથી કુલ મૃત્યાંક ૫,૬૫૩ થઈ છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાથી ૨,૭૨,૯૪૮ લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોવિડ ૧૯નો પ્રથમ કેસ બીજી માર્ચના રોજ આવ્યો હતો