ટિકિટ કાપવામાં આવશે તો પરિણામ ખરાબ આવશે :સાક્ષી મહારાજની ભાજપને ચિમકી

ઉન્નાવ,

ઉન્નાવ જિલ્લાના સાંસદ સાક્ષી મહારાજે ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ ઉન્નાવ લોક્સભા બેઠક પરથી જ ચૂંટણી લડશે. આ પહેલીવાર નથી જ્યારે સાક્ષીએ પાર્ટીને સીધી ચેતવણી આપી હોય. અગાઉની લોક્સભા ચૂંટણીમાં પણ તેમણે કહ્યું હતું કે ટિકિટ કાપવામાં આવશે તો પરિણામ ખરાબ આવશે.

પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રેહતા ભાજપના ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે લોક્સભાની ચૂંટણી લડીશ તો માત્ર ઉન્નાવ થી જ લડીશ, નહીં તો હરિદ્રારમાં આરામ કરીશ. આ પહેલાં વર્ષ ૨૦૧૯ની લોક્સભાની ચૂંટણીમાં ટિકીટ કપાવવાની ચર્ચા પર સાક્ષી મહારાજે ભાજપને ધમકી આપી હતી કે જો મારી ટિકીટ કપાશે તો તેનો અંજામ ખરાબ આવશે. તે વખતે સાક્ષી મહારાજે ઉત્તર પ્રદેશના તત્કાલીન ભાજપ પ્રદેશ પ્રમુખ મહેન્દ્ર નાથ પાંડેયને પત્ર લખીને કહ્યુ હતું કે તેમની ટિકીટ કાપવમાં આવશે તો પાર્ટીએ ગંભીર પરિણામો ભોગવવા પડશે. સાથે તેમણે એમ પણ લખ્યું હતું કે, આ સંસદીય મત વિસ્તારમાં તેઓ એક માત્ર ઓબીસી ચહેરો છે.

બીજી તરફ સાંસદ સાક્ષી મહારાજે હિન્દુ રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાના નિવેદન પર કહ્યું કે, ’દેશમાં કૂતરા અને ગધેડાને અધિકાર છે, હિંદુઓને કોઈ માનવ અધિકાર નથી’ અને કહ્યું કે વ્યક્તિની જેવી દ્રષ્ટિ હોય તેવી સૃષ્ટિ હોય છે.મુજબ, જો તમે લીલા ચશ્મા પહેરો તો બધું જ લીલું જ દેખાશે.

સાક્ષી મહારાજે અલીગઢના ધારાસભ્ય રહી ચૂકેલા હાજી ઝમીરના એક નિવેદનનો પણ જવાબ આપ્યો હતો. હાજી જમીર ઉલ્લા ખાને એવું નિવેદન આપ્યુ હતું કે બુરખા પર પ્રતિબંધુ મુકનારાને નગ્ન કરીને ફેરવવા. આ નિવેદન પર સાક્ષી મહારાજે કહ્યું કે મોટા ભાગના મુસ્લિમ રાષ્ટ્રોમાં બુરખા પર પ્રતિબંધ જ છે. હાજી જમીર યાદ રાખે કે અહીં બાબાનું બુલડોઝર તૈયાર જ છે.

તાજેતરમાં ફારૂક અબ્દુલ્લા દ્વારા રાહુલ ગાંધીની શંકરાચાર્ય સાથે સરખામણી પર સાક્ષી મહારાજે કહ્યું કે, બંને એક જ પરિવારના છે. એકબીજાના વખાણ કરવા એ તેમનો સ્વભાવ છે. બંને પરિવારોએ દેશને બરબાદ કર્યો છે. રાહુલ ગાંધી શીર્ષાસન પણ લગાવી દે તો પણ કોંગ્રેસને સંજીવની પુરી પાડી શકે તેમ નથી. સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે ૨૦૨૪ની લોક્સભાની ચૂંટણીમાં ૩૫૦ બેઠકો જીતીને વડાપ્રધાન મોદી જંગી બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૮૦ સીટો ભાજપના ખાતામાં જવાની છે.