તમિલનાડુમાં જલ્લીકટ્ટુ ઉત્સવ દરમિયાન આખલાએ ૧૪ વર્ષના છોકરાને કચડ્તા નિપજ્યું મોત

ચેન્નાઇ,

તમિલનાડુમાં જલ્લીકટ્ટુ ઉત્સવ જોવા આવેલા એક બાળકનું મોત થયું છે. આ ઘટના ધર્મપુરીની છે. અહીં એક ૧૪ વર્ષના બાળકને આખલા દ્વારા કચડી નાખવામાં આવ્યો હતો. તે તેના સંબંધીઓ સાથે જલ્લીકટ્ટુ ઉત્સવ નિહાળવા આવ્યો હતો. આ વર્ષે જલ્લીકટ્ટુ દરમિયાન આ ચોથું મૃત્યુ છે. આ કાર્યક્રમનું આયોજન થડાંગમ ગામે કરવામાં આવ્યું હતું. ઘટના સમયે ગોકુલ તેના સંબંધીઓ સાથે જલ્લીકટ્ટુ જોવા ગયો હતો. ત્યારે એક આખલાએ તેના પેટમાં હુમલો કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો.

ગોકુલને તાત્કાલિક ધર્મપુરીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ધર્મપુરી પોલીસે તપાસ શરૂ કરી છે. ગોકુલ કેવી રીતે ઘાયલ થયો તે જાણવા માટે ઈવેન્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવીના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ગોકુલ આ વર્ષે જલ્લીકટ્ટુ સંબંધિત મૃત્યુ પામનાર ચોથો વ્યક્તિ છે.

જલ્લીકટ્ટુ એ તમિલનાડુમાં એક લોકપ્રિય રમત છે. જે જાન્યુઆરીના મયમાં પોંગલ લણણીની મોસમ દરમિયાન રમાય છે. આખલાના ખૂંધ પર વ્યક્તિ કેટલો સમય ટકી રહે છે, તેના આધારે વિજેતા નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તમિલનાડુમાં મટ્ટુ પોંગલના ભાગ રૂપે આ પ્રેક્ટિસ કરવામાં આવે છે, જે ચાર દિવસીય લણણી ઉત્સવનો ત્રીજો દિવસ છે. તમિલ શબ્દ ‘મટ્ટુ’ નો અર્થ થાય છે બળદ, અને પોંગલનો ત્રીજો દિવસ પશુઓને સમપત છે, જે કૃષિમાં મુખ્ય ભાગીદાર છે.

જલ્લીકટ્ટુ સ્પર્ધામાં માત્ર ૩૦૦ બુલ ટેમર અને ૧૫૦ દર્શકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ લગભગ ૧૦ હજાર આખલા અને ૫૪૦૦ ટેમરોએ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન અરજી આપી હતી. જેમાંથી માત્ર ૮૦૦ આખલાઓને જ જોડાવા માટે પરવાનગી આપવામાં આવી હતી. એક આખલો ત્રણમાંથી માત્ર એક ઇવેન્ટમાં જ ભાગ લઈ શકે છે. જલ્લીકટ્ટુ સ્પર્ધાને લઈને વિવાદ યથાવત રહ્યો છે. એક પક્ષ પ્રાણીઓના અધિકારોના ઉલ્લંઘનનો દાવો કરી રહ્યું છે. તો બીજી બાજુ લોકો “સંસ્કૃતિ અને પરંપરાઓ”ના રક્ષણની હિમાયત સાથે રમત ચાલુ રાખવાની વાત કરી રહ્યાં છે.