ગોધરા તાલુકાના ગોલી ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનનો પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયો

ગોધરા,

ગોધરા તાલુકાના ગોલી ગામે આવેલી વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો જિલ્લા પુરવઠા અધિકારી, પંચમહાલ તેમજ પુરવઠા નિરીક્ષક ગોધરા દ્વારા સંયુક્ત રીતે તપાસ કરતા અનેક ક્ષતિઓ જણાઈ આવતા દુકાનનો પરવાનો આગામી 90 દિવસ માટે મોકૂફ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત હુકમને પગલે ગેરરીતિ કરતા બાકી અન્ય દુકાનદારોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ગોધરા તાલુકાના ગોલી ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ ને રેશનકાર્ડ ધારકોને અનાજ ઓછું આપવા બાબતની રજૂઆત મળી હતી. જે આધારે ગોલી સ્થિત એફ.આઇ. અમીન સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનની તા.20.1.2023ના રોજ પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ પુરવઠા નિરીક્ષક ગોધરા દ્વારા સંયુક્ત આકસ્મિક તપાસ કરી હતી. જેમાં અનેક ક્ષતિઓ જણાઈ આવી હતી. જેમાં ઈ-એફ.પી.એસ. (ઓનલાઇન ડેશબોર્ડ ફિઝિકલ સ્ટોક) મુજબના જથ્થા અને ભૌતિક જથ્થા ની ખરાઈ કરતા જથ્થા માં વધ ઘટ જણાઈ આવી હતી. જેમાં ઘઉં, ચોખા અને ચણા માં વધ તેમજ ખાંડ, મીઠું અને તુવેરદાળ માં ઘટ જણાઈ આવી હતી. ભાવ જથ્થાનું બોર્ડ અદ્યતન રાખ્યું નથી. જાહેર વિતરણ વ્યવસ્થામાં અનાજના નમૂના નથી રાખવામાં આવ્યા. એન.એફ.એસ.એ. રેશનકાર્ડની યાદી દુકાનમાં જોઇ શકાય તેમ ના હતી, તોલમાપ પ્રમાણપત્ર તેમજ વજન કાંટા, દુકાનનું લાયસન્સ, અધિકારપત્ર, ઓળખપત્ર અને કરારાનામુ રાખવામાં આવ્યું નથી. ફરિયાદ પેટી પણ રાખવામાં આવી નથી, અને સ્ટોક પત્રક, વેચાણ પત્રક અને ગોડાઉન બુક અદ્યતન નિભાવીનાં હોવાની અનેક ક્ષતિઓ જણાઈ આવી હતી. જે તમામ ગંભીર બાબતો ધ્યાન ઉપર આવતા જિલ્લા પુરવઠા અધિકારીએ સરકારના નીતિ નિયમો તેમજ રેશનકાર્ડ ધારકોની જાહેર હિતને ધ્યાનમાં રાખી ગોધરા તાલુકાના ગોલી ગામ ખાતે આવેલી એફ.આઇ. અમીન સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો આગામી 90 દિવસ માટે મોકૂફ રાખવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. જિલ્લા પુરવઠા અધિકારીના ઉપરોક્ત હુકમના પગલે ગેરરીતિ આચરતા અન્ય દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.