ગોધરા નગરપાલિકાની બેદરકારી : નગરના મુખ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયો

ગોધરા,

ગોધરા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગોધરા નગર પાલિકાને અંદાજિત રૂ.8 કરોડ ઉપરાંત બાકી વીજ બિલ મામલે નોટિસ આપી હતી અને સમય મર્યાદામાં જો વીજ બિલ નહિ ભરવામાં આવે તો વીજ કનેક્શન કાપી નાખવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું.

જેમાં નગર પાલિકા દ્વારા વીજ કંપનીએ આપેલા સમય મર્યાદામાં વીજ બિલ ભરવામાં નહિ આવતા ગોધરા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગોધરા શહેરના ચાર વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. ત્યારે ઉપરોક્ત વિસ્તારોમાં આવેલા સ્ટ્રીટ લાઈટના વીજ જોડાણ કાપી નાખવામાં આવતા નિયમિત વેરો ભરતાં નાગરિકોએ પાલિકા તેમજ તેના સબંધિત સતાદારોને ભાંડવાનું ચાલુ કર્યું છે.

ગોધરા સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગોધરા નગર પાલિકાને કેટલાક સમય અગાઉ રૂ.8 કરોડ ઉપરાંત નાં બાકી વીજ બિલ ને લઈ પાલિકા ને નોટિસ આપવામાં આવી હતી અને વીજ બિલ ભરવા માટે સમય મર્યાદા પણ આપી હતી. તો સાથે સાથે વીજ કંપની એ પાલિકાને અલ્ટીમેટમ પણ આપ્યું હતું કે જો આપેલા સમય મર્યાદામાં વીજ બિલ નહિ ભરવામાં આવે તો શહેરમાં વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. જેનું ચોક્કસ પાલન ગોધરા વીજ કંપનીએ કરતા શનિવાર નાં રોજ ગોધરા નગર પાલિકામાં સમાવિષ્ટ ચાર વિસ્તારો જેમાં સિગ્નલ ફળિયા, વાલી ફળિયા, ભુરાવાવ ચાર રસ્તા, વૃંદાવન નગર વિસ્તાર અને ભગવત નગર વિસ્તારમાં આવેલી સ્ટ્રીટ લાઈટના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. જે વિસ્તારની સ્ટ્રીટ લાઇટની વધુ વીજ વપરાશ બિલ બાકી હતું તેવા જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. ત્યારે સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ કપાતા જે તે વિસ્તારમાં ભારે અંધકાર ભાસી રહ્યો હતો. જેના પરિણામે સ્થાનિક વિસ્તારના નિયમિત વીજ વેરો તેમજ અન્ય વેરા ભરતા નાગરિકો પરેશાન થયા હતા અને નગર પાલિકાનાં સતાદારોને ભાંડવાનું પણ ચાલુ કર્યું હતું. ત્યારે સ્થાનિકો ને ચિંતા સતાવી રહી છે કે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ નહિ હોય અને હાલમાં ઠંડીની સિજન પણ છે એટલે તસ્કરોને ચોરી કરવા માટે મોકળું મેદાન મળી રહેશે. ત્યારે જો જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટના વીજ કનેક્શન કપાયા છે ત્યાં કોઈ તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો તો તે માટે જવાબદાર કોણ???? ત્યારે પોલીસને પણ બાદમાં આ મામલે પરેડ કરવી પડે તો નવાઈ નહિ.