- હું જાણું છું કે અહીંના લોકો પીડામાં છે. હું સમજું છું કે દરેકને દુ:ખ થયું છે.: રાહુલ ગાંધી.
- નેશનલ કોન્ફરન્સના નેતાએ એક કાર્યક્રમમાં રાહુલની તુલના આદિ ગુરુ શંકરાચાર્ય સાથે કરી.
કઠુઆ,
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પોતાના અંતિમ પડાવ જમ્મુ-કાશ્મીર પહોંચી છે. રાહુલ ગાંધી શુક્રવારે સવારે કઠુઆ પહોંચ્યા ત્યારે વરસાદ થઈ રહ્યો હતો. યાત્રા દરમિયાન પહેલી વખત રાહુલ ગાંધી રેઇનકોટમાં નજર આવ્યા. ત્યાં શિવસેના નેતા સંજય રાઉત પણ તેમની યાત્રામાં સામેલ થયા હતાં.જમ્મુ-કાશ્મીરમાં દાખલ થતાં પહેલાં રાહુલે પઠાનકોટ બોર્ડર પર કહ્યું, હું જાણું છું કે અહીંના લોકો પીડામાં છે. હું સમજું છું કે દરેકને દુ:ખ થયું છે. દરેક માણસ પરેશાન છે. હું તમારું દુ:ખ વહેંચવા આવ્યો છું. આ દરમિયાન રાહુલ સાથે મોટી સંખ્યામાં સમર્થક પહોંચ્યા હતા. ૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા ૧૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જમ્મુ-કાશ્મીર પહોંચી છે. ૧૨૫ દિવસમાં રાહુલ ૧૩ રાજ્યમાંથી પસાર થયા. જમ્મુ-કાશ્મીરમાં તેઓ ૯ દિવસ રહેશે. યાત્રા ૩૦ જાન્યુઆરીએ પૂરી થશે.
જમ્મુ-કાશ્મીરમાં એન્ટ્રી પહેલાં રાહુલે પઠાનકોટ બોર્ડર પર સ્પીચ આપી. આ દરમિયાન મોટી સંખ્યામાં સમર્થકો હાજર હતા. રાહુલે કહ્યું- પૂર્વજો જમ્મુ-કાશ્મીરથી ઉત્તરપ્રદેશ ગયા હતા. હું તે જગ્યાએ જ જઈ રહ્યો છું. એવું લાગ્યું જાણે ઘરે પાછો આવ્યો છું.
તેમણે કહ્યું હતું કે તમારી જમીનમાં દાખલ થતાં પહેલાં માથું નમાવું છું. હું તમને કહેવા માગું છું કે તમારા ધર્મ, જાતિ, તમે અમીર કે ગરીબ, યુવાન કે વૃદ્ધ, આ દેશ તમારો છે અને તમે આ દેશના છો. રાહુલે કહ્યું હતું કે આગામી ૯ દિવસ હું જમ્મુ-કાશ્મીરના લોકો પાસેથી જ બધું શીખીશ.
કોંગ્રેસનેતાએ કહ્યું, દેશ જે વાસ્તવિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે એ નફરત, બેરોજગારી, મોંઘવારી છે. આ સિવાય ૨ પ્રકારના ભારત છે, એક કરોડપતિ અને બીજું ગરીબોનું. ભાજપ, સંઘ અને કરોડપતિઓની ટીમ સાથે મળીને કામ કરી રહ્યાં છે. મુખ્ય મુદ્દાઓ પરથી દેશનું ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. મીડિયા પણ માત્ર હિંદુ-મુસ્લિમ અને નફરત જેવા મુદ્દા ઉઠાવી રહ્યું છે.
નેશનલ કોન્ફરન્સના નેતાએ એક કાર્યક્રમમાં રાહુલની તુલના આદિ ગુરુ શંકરાચાર્ય સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે સદીઓ પહેલાં શંકરાચાર્યએ કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા શરૂ કરી હતી. રાહુલ આવું કરનારી બીજી વ્યક્તિ છે. રાહુલ ગાંધી ભારતને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.