અમદાવાદ,
અમદાવાદના પશ્ર્વિમ વિસ્તારમાં સૌથી પ્રખ્યાત એવા ગોદરેજ ગાર્ડન સિટીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. બિલ્ડીંગના ચોથા માળે આગ લાગી હતી. જેને પગલે ફાયર વિભાગની છ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ આગમાં એક મહિલાનુ મોત નિપજ્યું છે. તેમજ પુરુષની હાલત ગંભીર છે.જોકે, પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પુરવાનો નાશ કરવા ઘરમાં આગ લગાવ્યાનુ પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ઇડન ૫ લેટના મકાન નંબર ફ ૪૦૫ માં આગ લાગી હતી. જેથી ફાયર વિભાગની ૬ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બૂઝવવાની કામગીરીમાં લાગી હતી. આ આગમાં પરિવારની મહિલાનુ મોત નિપજ્યુ હતું. તો પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. બે બાળકો સ્કૂલમાં ગયા હતા ત્યારે મકાનમાં આગ લાગી હતી. ત્યારે આ આગમાં પોલીસે તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો.
પ્રાથમિક તપાસમાં જ ખુલાસો થયો કે, પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી હતી. હત્યાના પુરાવાઓનો નાશ કરવા પતિએ જ આગ લગાવી હતી. મહિલાના ગળા અને હાથ પર ચપ્પુના નિશાન હતા. તો પતિનાં શરીર પર પણ ચપ્પુના નિશાન હતા.
તપાસમાં ખૂલ્યું કે, મૃતકનું નામ અનિતા બઘેલ છે, જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. આ દંપતીને બે સંતાન છે, જેમાં પુત્ર ધોરણ ૮ અને પુત્રી ધોરણ ૬ માં અભ્યાસ કરે છે. ફાયર ફાઈટરની ટીમે જોયું તો ગ્રાઉન્ડ લોર પર જ પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તેવી રીતે પડ્યાં હતા. જેમાં અનિતા બઘેલનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિ અનિલ બઘેલને સોલા સિવિલ હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પાડોશીઓએ ઘરમાથી ધુમાડો નીકળતો જોયો હતો, જેના બાદ તેઓએ ફાયર વિભાગમાં જાણ કરી હતી. તો કેટલાક પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.