અમદાવાદ,
દેશના બહુ ચકચારી ડિંગુચા પ્રકરણનો રેલો હવે ધીમેધીમે ભાજપના કમલમ સુધી પહોંચ્યો છે. કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં છેવટે બોબી પટેલ તથા યોગેશ પટેલની ધરપકડ થઈ છે, પણ પ્રકરણમાં બચાવવા જતાં કમલમના એક મોટા કદના નેતા ફસાયા છે. જેનો રેલો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. પોતાની જાતને સુપર ગૃહમંત્રી સમજતા આ નેતાને પોલીસે ઔકાત તો દેખાડી દીધી છે પણ આ પ્રકરણમાં નેતાના પગતળે રેલો આવે તો નવાઈ નહીં. કારણ કે હવે એક આરોપીને કમલમથી બચાવવાનો પ્રયાસ થયો હોવાની ઘટના મામલે દિલ્હી સુધી પડઘા પડ્યા છે. આ પ્રકરણમાં મોનીટરીંગ સેલના પીઆઈ જવાહર દહિયા સસ્પેન્ડ થઈ ગયા છે. કબૂતરબાજીમાં ઝડપાયેલા બે માફિયાઓની ભાજપના નેતા- કાર્યકરો વચ્ચે સીધી સાંઠગાંઠ હોવાના ખુલાસાથી ભાજપમાં પણ આ મામલાએ તુલ પકડી છે.
ભાજપ સંગઠનની છત્રછાયાને કારણે તમને કંઈ નહીં થાય ની બડાશો હાંક્તા નેતાઓની બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ છે. એમને એમ કે આ પ્રકરણમાં પોલીસને કહેવાથી કામ થઈ જશે પણ હવે એમના પર પણ છાંટા ઉડી રહ્યાં છે. આ પ્રકરણમાં ભાજપના નેતાએ બચાવ કર્યો હોવાનું બહાર આવતાં સરકાર અને સંગઠનમાં પણ સોપો પડી ગયો છે. સરકાર આ મામલે કડકાઈથી કાર્યવાહી કરી રહી છે. દિલ્હીથી સીધા આદેશ હોવાને કારણે ગૃહમંત્રી એક પણ ને બખ્શવાના મૂડમાં નથી, પણ સંગઠનમાંથી બચાવના પ્રયાસો થયા હોવાની ચર્ચાઓને કારણે આ પ્રકરણમાં ભાજપ ચર્ચામાં આવી ગયું છે.