મુંબઇ,
સાઉથ સ્ટાર એક્ટર અલ્લુ અર્જુનને યુએઈ સરકાર દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. અલ્લુ અર્જુને ખુદ ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના ફેન્સ સાથે આ વાત શેર કરી છે. તેણે દુબઈ સરકારનો પણ આભાર માન્યો હતો. UAE માં ‘ગોલ્ડન વિઝા’ મેળવવું એટલું સરળ નથી. માત્ર જાણીતા અભિનેતાઓ, ડોકટરો, ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો અને રોકાણકારો માટે જ ઉપલબ્ધ છે.
આ ગોલ્ડન વિઝા મેળવનારા લોકો અબુધાબી અથવા યુએઈની રાજધાની દુબઈ જેવા અમીરાતમાં દસ વર્ષ સુધી રહી શકે છે.યુએઈ સરકારે ૨૦૧૯માં વિદેશીઓને તેમના દેશમાં લાંબા સમય સુધી રહેવાની મંજૂરી આપવા માટે એક વિશેષ સિસ્ટમની સ્થાપના કરી છે. લાંબા ગાળાના રેસીડેન્સી વિઝા રજૂ કર્યા છે. શરૂઆતમાં તેનો કાર્યકાળ પાંચ વર્ષ સુધીનો હતો. બે વર્ષ કરતાં ઓછા સમય પહેલાં તે વધારીને દસ વર્ષ કરવામાં આવ્યું હતું. આ વિઝા ધારકો તેમના જીવનસાથી, બાળકો અને માતા-પિતા સાથે દસ વર્ષ સુધી અબુ ધાબીમાં રહી શકે છે.
આ પછી સમયમર્યાદા વધારી શકાય છે. ગોલ્ડન વિઝા ધારકો ૧૦૦% માલિકી સાથે તે દેશમાં પોતાનો વ્યવસાય પણ ચલાવી શકે છે. જો કે સામાન્ય લોકો માટે આ વિઝા મેળવવું શક્ય નથી. ૨૦૧૮ના કેબિનેટ ઠરાવ નંબર ૫૬ મુજબ UAE માં રહેવા માટે અરજી કરતાં રોકાણકારોની લઘુત્તમ આવક રૂપિયા ૨૧ કરોડ હોવી જોઈએ અને જ્યારે સેલિબ્રિટીઝની વાત આવે છે ત્યારે તેઓ ખૂબ જ લોકપ્રિય હોય તો જ આ વિઝા માટે પાત્ર છે.યુએઇ સરકાર તરફથી પ્રથમ ‘ગોલ્ડન વિઝા’ મેળવનારા પ્રથમ સેલિબ્રિટીમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને તેના પછી સંજય દત્ત અને સાનિયા મિર્ઝાને પણ ગોલ્ડન વિઝા મળ્યા હતા. કમલ હાસન, મામૂટી, મોહનલાલ, સોનુ સૂદ, મૌની રોય, બોની કપૂર, સંજય કપૂર, વરુણ ધવન, ઉર્વશી રૌતેલા, સુનીલ શેટ્ટી, નેહા કક્કર, ફરાહ ખાન, રણવીર સિંહ, રામ ચરણની પત્ની ઉપાસના, વિક્રમ, ત્રિશા, કાજલ અગ્રવાલ, દુલકર સલમાન, મીના, વિજય સેતુપતિપ ગોલ્ડન વિઝા મેળવનારા સેલિબ્રિટીઝની યાદી લાંબી છે. આ બધા તે દેશમાં કોઈપણ લાંબા ગાળાના નિયંત્રણો વિના મુક્તપણે રહી શકે છે.
તમને જણાવી દઈએ કે, દસ વર્ષની મુદત પૂરી થયા પછી વિઝા આપોઆપ રિન્યુ થાય છે. આ સંદર્ભમાં ‘ગોલ્ડન વિઝા’ મેળવનારા સેલિબ્રિટીઓ તેમજ ત્યાંના નાગરિકો કોઈપણ સમસ્યા વિના ત્યાં રહી શકે છે.