મમતા બેનર્જી ગુજરાત પોલીસ પર ગુસ્સે ભરાયા

  • ગુજરાત પોલીસે દિલ્હીમાં બંગા ભવનના સીસીટીવી ફૂટેજ જપ્ત કરી લીધા હતા. હું આ દૂસ્સાહસ ની નિંદા કરું છું.

કોલકતા,

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા સાકેત ગોખલેની ધરપકડને લઇને પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.તેમણે કહ્યું કે, સાકેત ગોખલેની ધરપકડ બાદ ગુજરાત પોલીસે દિલ્હીમાં પશ્ર્ચિમ બંગાળ સરકારના ગેસ્ટ હાઉસથી ગેરકાયદેસર રૂપે સીસીટીવી ફૂટેજ જપ્ત કરી હતી. તેમનું કહેવું છે કે આ કામમાં દિલ્હી પોલીસે ગુજરાત પોલીસની મદદ કરી હતી.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીને નિર્દેશ આપ્યા કે જો ભવિષ્યમાં કોઇ મંજૂરી વિના ગેસ્ટ હાઉસના પરિસરમાં પ્રવેશ કરે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મુર્શીદાબાદના સાગરદીધીમાં એક સરકારી કાર્યક્રમમાં સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસે દિલ્હી પોલીસની મદદથી નવી દિલ્હીમાં બંગા ભવનના સીસીટીવી ફૂટેજ જપ્ત કરી લીધા હતા. હું આ દૂસ્સાહસ (સીસીટીવી ફૂટેજ જપ્ત કરવા)ની નિંદા કરું છું.

બંગા ભવન બંગાળ સરકારની સંપત્તિ છે અને હું મુખ્ય સચિવને કહેવા માગીશ કે જો કોઇ મંજૂરી વિના પરિસરમાં પ્રવેશ કરે છે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન મોટા ભાગે અભિષેક બેનર્જીના ઘરે રહે છે, પરંતુ જ્યારે એકલા મુસાફરી કરે છે તો બંગાળ ભવનમાં રહે છે. બંગાળ ભવનમાં મુખ્ય ન્યાયાધીશ, રાજનેતા, રાજ્યપાલ અને પત્રકાર દરેક સમયે ત્યાં રહે છે અને ગુજરાત પોલીસે તેની બધી સીસીટીવી ફૂટેજ જપ્ત કરી છે.

તેમણે ગુજરાત પોલીસને સવાલ કરતા કહ્યું કે, તેઓ શું જાણવા માંગે છે? તેમને એમ કરવાનો અધિકાર કોણે આપ્યો? મમતા બેનર્જીએ સ્પષ્ટ રૂપે એ તારીખનો ઉલ્લેખ ન કર્યો, જે દિવસે સીસીટીવી ફૂટેજ જપ્ત કરવામાં આવી હતી, પરંતુ તેમણે કહ્યું કે, આ ઘટના સાકેત ગોખલેની ધરપકડ બાદ થઇ છે. તૃણમૂલ કોંગ્રેસના એક સામાજિક કાર્યર્ક્તાને ગુજરાત પોલીસે દિલ્હી પોલીસની મદદથી ધરપકડ કરી.

તેમની એક વખત રાજસ્થાનના એક એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી અને કોર્ટ દ્વારા જામીન આપ્યા બાદ તેમની ફરી બંગાળ ભવનમાં ધરપકડ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે ૨૯ ડિસેમ્બરના રોજ સાકેત ગોખલેને બંગાળ ભવનથી ધરપકડ કરી હતી. ગયા વર્ષે મોરબી પુલ અકસ્માતની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોરબી પુલ અકસ્માતને લઇને તેમણે ટ્વીટ કરી હતી. આ સંબંધમાં આ તૃણમૂલ કોંગ્રેસના નેતાની ત્રીજી ધરપકડ હતી. ત્રીજી ધરપકડ બે વખત કોર્ટ દ્વારા જામીન આપ્યા બાદ થઇ.