ઓટીટી પ્લેટફોર્મ પર શરતો સાથે ’પઠાણ’ ફિલ્મને રિલીઝ કરાશે : દિલ્હી હાઈકોર્ટનો આદેશ

મુંબઈ,

તાજેતરમાં જ રિલીઝ થયેલા ’પઠાણ’ના ટ્રેલરે તમામને ચોંકાવી દીધા. ફિલ્મમાં દરેકનો લુક ચોંકાવનારો હતો. દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનથી લઈને જોન અબ્રાહમ અલગ જ અંદાજમાં જોવા મળ્યા. કુલ મળીને ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યુ. હવે ફિલ્મની ઓટીટી રિલીઝને લઈને અપડેટ સામે આવી રહ્યુ છે. પઠાણને ઓટીટી પર શરત સાથે રિલીઝ કરવામાં આવશે. કોર્ટે આને લઈને દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.

દિલ્હી હાઈકોર્ટે પઠાણમાં અમુક પરિવર્તન કરવાના આદેશ આપતા કહ્યુ કે ફિલ્મમાં પરિવર્તન કરવામાં આવે જેથી ઓટીટી પ્લેટફોર્મ પર દ્રષ્ટિ ક્ષતિગ્રસ્ત પણ ફિલ્મ માણી શકે. હાઈકોર્ટે પરિવર્તન કર્યા બાદ સીબીએફસી પાસેથી બીજીવાર સર્ટિફિકેટ લેવા માટે કહ્યુ છે. કોર્ટે નિર્માતાઓને ૨૦ ફેબ્રુઆરી સુધી રિપોર્ટ દાખલ કરવાના આદેશ આપ્યા છે. સીબીએફસીને ૧૦ માર્ચ સુધી નિર્ણય કરવાનું કહ્યુ છે. જોકે, થિયેટરોમાં રિલીઝને લઈને કોર્ટે કોઈ આદેશ આપ્યા નથી.

રિપોર્ટ અનુસાર શાહરુખ ખાને ફિલ્મ માટે મોટી ફી લીધી છે. શાહરુખ ખાને પઠાણ ફિલ્મમાં કામ કરવા માટે ૧૦૦ કરોડ રૂપિયા લીધા છે. દીપિકા પાદુકોણે ફિલ્મમાં કામ કરવા માટે ૧૫ કરોડ રૂપિયા લીધા છે. જોન અબ્રાહમે પઠાણ ફિલ્મમાં વિલનનું પાત્ર નિભાવ્યુ છે. પઠાણ ફિલ્મ માટે જોન અબ્રાહમે ૨૦ કરોડ રૂપિયા લીધા છે.

શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્મ પઠાણનું ટ્રેલર ૩ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યુ છે. જેમાં હિંદી સિવાય તેલુગુ અને તમિલ સામેલ છે. ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે.