રાજકોટ,
રાજકોટમાં પૂજારા ટેલિકોમનો મેનેજર તેની જ બ્રાંચના રૂ.૧૧.૬૫ લાખ ઓળવી છુમંતર થઈ જતા ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. કોઠારીયા રોડ પર હુડકો ચોકી સામે આવેલ પૂજારા ટેલિકોમની બ્રાંચમાં મેનેજર તરીકે ફરજ બજાવતો મનોજ નીતિન ચૌહાણ (રહે. કલ્યાણ સોસાયટી-૧, ગોડાઉન રોડ, રાજકોટ) ૧૮ મોબાઈલ ફોન, એપલનું ચાર્જર અને સ્માર્ટ વોચ વગેરે મળી રૂ.૫.૫૦ લાખનો મુદ્દામાલ અને બ્રાંચના હિસાબના રૂ.૬.૧૫ લાખ લઈ ફરાર થઇ જતા ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
પૂજારા ટેલિકોમના ઝોન સેલ્સ મનેજર મયુર ઇન્દુભાઈ જાદવ (ઉ.વ.૩૫, રહે. નવલનગર, રાજકોટ)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, મનોજ ચૌહાણની કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી સામે આવેલી પૂજારા ટેલિકોમની બ્રાંચ ખાતે બ્રાંચ મેનેજર તરીકે નિમણુંક થયેલ હતી. આરોપી મનોજે પૂજારા ટેલિકોમ તરફથી મિલક્ત ઉપર મળેલ અધિકારનો દુરુપયોગ કરી અહીંથી ૧૮ મોબાઈલ ફોન, એક હેન્ડ્સ ફ્રી, એક એપલનું ચાર્જર.
એક સ્માર્ટ વોચ જેની કુલ કિંમત આશરે રૂ.૫,૫૦,૦૦૦ ગણી શકાય તે અને બ્રાંચના હિસાબના રૂ.૬,૧૫,૦૦૦ જેટલી રકમ જમા નહીં કરાવી પોતે લઈ જઈ કુલ રૂ.૧૧,૬૫,૦૦૦ની રકમ ઓળવી જઈ વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનો આચાર્યો છે. ભક્તિનગર પોલીસે આરોપી સામે આઇપીસી ૪૦૮ અને ૨૪૨૦ની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. સામુદ્રે અને તેમની ટીમે આરોપીની ધરપકડ કરવા તજવીજ કરી છે.