મુંબઈ,
સોશિયલ મીડિયા સેંસેશન ઉર્ફી જાવેદ પોતાના અતરંગી અંદાજના કારણે ચર્ચામાં રહેતી હોય છે. બીજી તરફ તેના અજીબો-ગરીબ ડ્રેસિંગને લઈને વિવાદ પણ થતો હોય છે. તાજેતરમાં જ એક્ટ્રેસ બીજેપી મહારાષ્ટ્ર મહિલા મોર્ચાના અધ્યક્ષ ચિત્રા કિશોર વાઘ સાથે વિવાદને લઈને ચર્ચામાં છે. બીજેપી નેતાએ ગયા અઠવાડિયે એક્ટ્રેસ અને ટીવી પર્સનાલિટી ઉર્ફી વિરુદ્ધ મુંબઈના રસ્તા પર ’અંગ પ્રદર્શન’ કરવાને લઈને ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ઉર્ફીએ પણ બજેપી નેતા ચિત્રા વાઘ વિરુદ્ધ મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી હતી.
હવે મહારાષ્ટ્ર મહિલા આયોગ દ્વારા આ મામલે કાર્યવાહી કરતા મુંબઈ પોલીસ કમિશ્ર્નરને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર એક્ટ્રેસ ઉર્ફી જાવેદને પૂરતી સુરક્ષા આપવાના સંદર્ભમાં લખવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે ઉર્ફી જાવેદે મહિલા આયોગના અયક્ષ રૂપાલી ચાકણકર સાથે મુલાકાત કરી હતી. બીજેપી નેતા ચિત્રા વાઘ દ્વારા જાહેર સ્થળે માર મારવાની ધમકી આપ્યા બાદ ઉર્ફીએ મહિલા આયોગ સામે પોતાની ફરિયાદ નોંધાવી હતી.
ઉર્ફી જાવેદે આરોપ લગાવ્યો છે કે, બીજેપી મહારાષ્ટ્ર મહિલા મોર્ચાના અધ્યક્ષ ચિત્રા વાઘે પોતાના રાજકીય લાભ અને વ્યક્તિગત પ્રચાર માટે મીડિયા દ્વારા તેને પબ્લીકલી માર મારવાની ધમકી આપી છે. એટલા માટે ઉર્ફીને ડર છે કે, તેના પર કોઈ પણ સમયે ગમે ત્યાં હુમલો કરવામાં આવી શકે છે.આવી સ્થિતિમાં ઉર્ફીની ફરિયાદ પર રાજ્ય મહિલા આયોગ તરફથી મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે, પોલીસે ઉર્ફી જાવેદની સુરક્ષા વધુ મજબૂત કરવી જોઈએ. આ સાથે આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી કરો અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે પણમહિલા આયોગને જાણ કરો.