અમેરીકાના કેલિફોર્નિયા માં શૂટ આઉટ, ૬ મહિનાના બાળક સહિત ૬ લોકોના કરૂણ મોત

કેલિફોર્નિયા

અમેરિકાના કેલિફોર્નિયામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ફાયરિંગમાં એક બાળક સહિત ૬ લોકોના મોત થયા હતા. ઘટના સોમવારે સવારે બની હતી. ફાયરિંગની ઘટના બાદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ આ હુમલા અને મૃત્યુના આંકડાની પુષ્ટિ કરી છે. પોલીસે આ હુમલાને ટારગેટેડ હુમલો ગણાવ્યો છે. હુમલામાં સંડોવાયેલી ટોળકી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલી હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યુ હતું કે ગઈકાલે વહેલી સવારે ૩:૩૦ વાગ્યે કેલિફોર્નિયાના જોક્વિન વેલીમાં તુલારે સાન શહેરમાં બે વ્યક્તિઓએ એક ઘર પર ગોળીબાર કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર સવારે પાડોશીઓએ ફોન કર્યો હતો અને હુમલાની ઘટનાની માહિતી આપી હતી. આ માહિતી મળતા જ પોલીસ ૭ મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે પોલીસ પહોંચી ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો અને લાશ પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમને છ મૃતદેહ મળ્યા છે. ઘટના ખૂબ જ ગંભીર છે. પોલીસને સ્થળ પરથી ૬ મહિનાના બાળક અને તેની ૧૭ વર્ષની માતાના મૃતદેહ પણ મળ્યા છે. બંનેને માથામાં ગોળી વાગી હતી.

યુએસમાં ફાયરિંગ દ્વારા હત્યા કરવાની એક મોટી સમસ્યા બની ગઈ છે. વર્ષ ૨૦૨૧માં લગભગ ૪૯,૦૦૦ લોકો બંદૂકની ગોળીથી મૃત્યુ પામ્યા હતા. દેશમાં વસ્તી કરતા વધુ હથિયારો છે. ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ ઓછામાં ઓછી એક બંદૂક ધરાવે છે અને લગભગ બે પુખ્તમાંથી એક વ્યક્તિ હથિયાર સાથે ઘરમાં રાખે છે.