ફતેપુરા બેલેૈયા ક્રોસિંગ પાસેથી બાઈક સવાર સાળા-બનેવી પાસેથી દેશી બનાવટની માઉઝર ઝડપી

દાહોદ,

ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ ઉપરથી પસાર થતાં મોટરસાયકલ સવાર યુવકો પાસેથી દેશી હાથ બનાવટની માઉઝર મળી આવી હતી. આ મામલે પોલીસે સાળા-બનેવી સામે ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સંતરામપુર તરફથી જી.જે.-35-કે-4387 નંબરની મોટરસાયકલ ઉપર આવતા યુવકો પાસે હથિયાર હોવાની બાતમી કોન્સ્ટેબલ મહેશભાઈ ભુરસિંગભાઈને મળી હતી. તેના આધારે મહેશભાઈ અને ગોપાલભાઈ બલૈયા ક્રોસિંગ ઉપર આવીને વોચ ગોઠવી હતી. સંતરામપુર તરફથી આવતી 4387 નંબરની બાઈક રોકતા તેની ઉ5ર સવાર ફતેપુરા તાલુકાના હિંદોલીયા ગામના ઠાકોર ફળિયામાં રહેતા રાજુ શંકર ભાભોર અને સંતરામપુરના તાલિયાડ ફળિયામાં ખોડધરા ગામના મહેશ રાયસિંગ તાવિયાડે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પીછો કરીને બંનેને પકડ્યા બાદ રાજુભાઈને ઝડપી પાડી તલાશી લેતા તેના કમરના ભાગે નેફામાંથી માઉઝર પિસ્ટલ મળી આવી હતી. તપાસ કરતા આ દેશી હાથ બનાવટની માઉઝર બેરસ સાથેની 16.5 સે.મી.લાંબી અને હાથો 11 સે.મી.નો હોવાનુ જણાયુ હતુ. મહેશ પાસેથી કઈં જ મળ્યુ ન હતુ. તેમની પાસેથી મળી આવેલી મોટરસાયકલ મહેશની માલિકીની હોવાનુ સામે આવ્યુ હતુ. રાજુએ પોલીસને જણાવ્યુ હતુ કે, આ હથિયાર સાળા મહેશભાઈ તાવિયાડે તેની પાસે રાખવા માટે આપ્યુ હતુ. મહેશની પુછપરછ કરતા તેને આ માઉઝર બેદા ગામના પોડા ફળિયામાં રહેતા રાજેશ ઉર્ફે લાલુ મનસુખ ગરોડે આપી હોવાની કબુલાત કરી હતી. 1500 રૂ.ની દેશી હાથ બનાવટની ગેરકાયદે માઉઝર લઈને ફરતા યુવકો સામે સુખસર પોલીસ મથકે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.