
- ભૂતપૂર્વ શ્રમ પ્રધાન વિધાનસભ્ય હસન મુશ્રીફના નિવાસસ્થાન સહિતના સ્થાન પર દરોડા પડ્યા હતા.
મુંબઇ,
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ એનસીપીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ શ્રમ પ્રધાન વિધાનસભ્ય હસન મુશ્રીફના નિવાસસ્થાન, ભૂતપૂર્વ મેયર પ્રકાશ ગાડેકરના નિવાસસ્થાન અને કોલ્હાપુર જિલ્લામાં સર્જનપતિ સંતાજી ઘોરપડે ફેક્ટરીના સ્થાન પર દરોડા પાડ્યા હતા. આ ત્રણ સ્થળોની સાથે કોલ્હાપુરના સાસન મેદાન વિસ્તારમાં મુશ્રીફની પુત્રીના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
બીજી તરફ, ઈડીના અધિકારીઓએ પુણેમાં પણ મુશ્રીફ સાથે સંકળાયેલા ચાર સ્થળો પર દરોડા પાડ્યા હતા. શિવાજીનગરમાં ઇ-સ્ક્વેર સામે પેટ્રોલ પંપની પાછળની બીલ્ડિંગમાં આવેલી ઑફિસ, હડપસરમાં મુશ્રીફના સંબંધીઓ અને કોંધવા વિસ્તારમાં અશોકા મજુજ સોસાયટી તેમ જ સાઉથ મેઇન રોડ-કોરેગાંવ પાર્કમાં રહેતા તેના બિઝનેસ પાર્ટનર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. મુશ્રીફના સમર્થકોએ કોલ્હાપુરના કાગલમાં ઇડી અને ભાજપ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
દરમિયાન, ૧૪ કલાકની કાર્યવાહી બાદ નાવેદ મુશ્રીફે પ્રતિક્રિયા આપી હતી. ગોકુલના ડાયરેક્ટર નાવેદ મુશ્રીફે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે જ્યાં સુધી સામાન્ય જનતા અમારી સાથે છે ત્યાં સુધી અમારો વાળ પણ વાંકો નહીં થાય. ૧૪ કલાકની પૂછપરછ પછી, નાવેદ મુશ્રીફને ભોજન માટે લઈ જવામાં આવ્યા હતા. નાવેદ મુશ્રીફે જણાવ્યું કે, છેલ્લા પાંચ દિવસથી એવી ચર્ચા ચાલી રહી હતી કે કાગલમાં ઈડ્ઢ દરોડા પાડશે. પરંતુ, અમે આવી કાર્યવાહીથી ડરતા નથી.
તેમણે કહ્યું કે “ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો અમે શાંતિપૂર્વક જવાબ આપ્યો છે. તેમને સહકાર આપ્યો છે. તેમનું કામ તપાસ કરવાનું છે. તેમના કામમાં કોઈ અડચણ ન હતી. તેમને જોઈતી તમામ માહિતી આપવામાં આવી હતી. તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવી છે. જોકે, તેઓ આ દરોડામાંથી કંઈ સાબિત નહીં કરી શકે. તમામ પક્ષોના કાર્યકરો આખો દિવસ રોકાયા હતા. જેઓ અમને સમર્થન કરવા આવ્યા હતા તેઓના અમે આભારી છીએ.”
તેઓએ આ કાર્યવાહી અને ભાજપના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમયે મુશ્રીફની જીતની જાહેરાતો કરવામાં આવી હતી. તે જ સમયે, કાર્યર્ક્તાઓ પ્રકાશ ગાડેકરના ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્ય મુશ્રીફને બદનામ કરવા માટે ભાજપ દ્વારા આ કાવતરું ઘડવામાં આવ્યું છે.