સરાયકેલા,
ઝારખંડના સરાયકેલા ખરસાવાંમાં ગુરૂવારે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૭ લોકોના મોત થઈ ગયા છે અને ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કુલ ઘાયલોની સંખ્યા લગભગ એક ડઝન બતાવવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ ઘટના સરાયકેલા ખરસાવાંની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સરાયકેલા ખરસાવાંમાં રાજનગર-ચાઈબાસા મુખ્ય માર્ગ પર અનિયંત્રિત પીકઅપ વાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. સવારે ખૂબ જ ધુમ્મસ છવાયેલુ હતું. લગભગ ૨૦ મજૂરોને લઈને પાકઅપ વાન કામના સ્થળે જઈ રહી હતી. રાજનગર-ચાઈબાસા મુખ્ય માર્ગ પર પીકઅપ વાન પલટી ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, મૃતદેહો આમ-તેમ વિખેરાઈને પડ્યા હતા. ઘાયલો પણ લોહીલુહાણ સ્થિતિમાં પડ્યા હતા. આ ઘટનાની સૂચના રાજનગર પોલીસને આપવામાં આવી હતી. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘાયલોને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ દર્દીઓને જમશેદપુર રેફર કરવામાં આવ્યા હતા.
ગુરુવારે સવારે સરાયકેલા ખરસાવાંમાં રાજનગર-ચાઈબાસા મુખ્ય માર્ગ પર ખૈરબાની ગામ પાસે એક અનિયંત્રિત પીકઅપ વાન પલટી ગઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે પીકઅપ વાન ચાઈબાસાથી બાંધકામ મજૂરોને લઈ જઈ રહી હતી. મજૂરોને ગોવિંદપુર જવાનું હતું. પીકઅપ વાનમાં સવાર ૨૦ મજૂરોમાંથી ૭ના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. ડઝન ઘાયલોમાંથી ૮ની હાલત ગંભીર છે. ઘાયલોને પહેલા રાજનગર કોમ્યુનિટી સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ મજૂરોને જમશેદપુર લઈ જવામાં આવ્યા હતા. પોલીસ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.