માતાનો જીવ બચાવવા પુત્રએ પિતાને છરીના 10 ઘા ઝીંકીને પતાવી દીધા

રંગીલું રાજકોટ ફરી એક વખત રકતરંજિત બન્યું છે. રાજકોટમાં ફરી એકવાર સંબંધોનું ખૂન થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ વખતે કોઈ અન્ય દ્વારા નહીં પરંતુ સગા દીકરા દ્વારા પિતાની હત્યા કરવામાં આવી છે. જોકે, આ હત્યા તેણે તેની માતાને બચાવવા માટે કરી હોવાનો દાવો કર્યો છે.

આ મામલે હાલ પોલીસે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના પીએમ રૂમ ખસેડ્યો છે અને પુત્રની અટકાયત કરી લીધી છે. મૃતકના અન્ય એક પુત્રના કહેવા પ્રમાણે પિતા છેલ્લા સાત વર્ષથી પરિવારને પરેશાન કરતા હતા. તેઓ દારૂ, ગાંજાનો નશો કરતા હતા. બીજી તરફ હત્યારા પુત્રને પણ પોતાના પિતાની હત્યાનો કોઈ અફસોસ નથી.  મૃતકના પુત્ર તેમજ આરોપીના ભાઈ અજય મકવાણાએ જણાવ્યું હતું કે, “અમારા પિતા રાજુ મકવાણા દારૂ તેમજ ગાંજા જેવા નશીલા પદાર્થના સેવન કરતા હતા. સેવન કર્યા બાદ તેઓ અવારનવાર ઘરના સભ્યો સાથે બોલાચાલી તેમજ માથાકૂટ કરતા હતા. આજે સવારે પણ અમારા પિતા અમારી માતા સાથે તેની પાસે રહેલી સોનાની બુટ્ટીની માંગ કરી રહ્યા હતા. માતાએ સોનાની બુટ્ટી નહીં આપતા મારા પિતા ઉશ્કેરાઈ ગયા હતા અને માતાને માર માર્યો હતો. જે બાદ છરી લઈને માતા તરફ ઘસી ગયા હતા. આ સમયે ઘરમાં હાજર મારા ભાઈ રોહિત મકવાણાએ મારા પિતા પાસે રહેલી છરી આંચકીને એ જ છરી વડે મારા પિતાની હત્યા કરી નાખી હતી.”

મૃતકનો પુત્ર તેમજ હત્યારાનો ભાઈ.

પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક રાજુ મકવાણાને બે સંતાનો છે. રાજુ મકવાણાને રોહિત મકવાણા અને અજય મકવાણા નામના બે સંતાનો છે. મૃતક રાજુ મકવાણા તેમજ આરોપી રોહિત મકવાણા બંને રિક્ષા ચલાવીને પોતાના ઘરનું ગુજરાત ચલાવતા હતા. રાજુ મકવાણાના વ્યવહારના કારણે તેના પરિવારના સભ્યો પણ તેનાથી કંટાળી ચુક્યા હતા. રાજુ અવારનવાર પોતાના પરિવારના સભ્યો પાસેથી પૈસાની માગણી કરતો હતો અને આ પૈસાથી નશાનું સેવન કરતો હતો.

આ મામલે પોલીસે હાલ આરોપી રોહિત મકવાણાની અટકાયત કરી છે. તેમજ તેનો covid 19 ટેસ્ટ પણ કરાવ્યો છે. ટેસ્ટનું પરિણામ આવ્યા બાદ વિધિવત રીતે તેની ધરપકડ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. પોલીસ પૂછપરછમાં પણ આરોપી પુત્રને પિતાની હત્યા કર્યાનો કોઇપણ જાતનો અફસોસ ન હોવાનું જણાવ્યું હતું.