ચીનને ત્રણ મહિનામાં પછાડી ભારત, વિશ્ર્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે

નવીદિલ્હી,

આપણો દેશ ઘણી બધી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો જોવા મળે છે. જેમાં વસ્તી વધારો પણ એક સમસ્યા છે. વિશ્ર્વ ભરમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ચીનને ગણવામાં આવે છે. પરંતુ, સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન ડિવિઝનનો તાજેતરમાં આવેલ એક અહેવાલમાં દાવો કર્યો છે કે, ભારત આગામી ત્રણ મહિનામાં ચીનને પછાડીને વસ્તી વધારાના ક્ષેત્રે આગળ નીકળી શકે છે. જે વિશ્ર્વનો સૌથી વધારે વસ્તી વાળો દેશ બનશે. વસ્તી વધારાના કારણે દેશમાં સામાજીક અને આર્થિક બાબત પર અસર જોવા મળશે. વસ્તી વધારાના કારણે લોકોને રહેઠાણની સમસ્યા, ગરીબી, બેરોજગારી, આરોગ્ય સેવા જેવી અન્ય ક્ષેત્રે પણ અસર જોવા મળશે. સામાન્ય રીતે ભારતમાં મોટા ભાગના પરિવારમાં એક વ્યક્તિ કમાનાર હોય છે અને અન્ય લોકો ખાનાર હોય છે. જેના કારણે દેશના નાગરિકોને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડે છે. સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન ડિવિઝનના અહેવાલ અનુસાર ભારતમાં ઝડપથી વધતી વસ્તી ૧.૪૧ બિલિયન લોકોમા ૪ વ્યક્તિ માંથી ૧ વ્યક્તિ ૧૫ વર્ષથી ઓછી ઉમર ધરાવતી હશે.

તે જ સમયે, વર્તમાન મૂલ્યાંકન અનુસાર, ચીનની વસ્તી આ દિવસોમાં ૧.૪૨ અબજ છે. જ્યારે ભારતની વસ્તી ૧.૪૧ અબજ છે. અમેરિકાની વસ્તી ૩૩૮ મિલિયન હોવાનો અંદાજ છે. ઈન્ડોનેશિયાની વસ્તી ૨૭૬ મિલિયન હોવાનો અંદાજ છે. પાકિસ્તાનની વસ્તી ૨૩૬ મિલિયન હોવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં ચીન હજુ પણ વિશ્ર્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. તેની વસ્તી સતત વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ૨૦૩૦ સુધીમાં વિશ્ર્વની વસ્તી ૮.૫ અબજ થઈ શકે છે. ૨૦૫૦ સુધીમાં તે ૯.૭ અબજ અને ૨૧૦૦ સુધીમાં ૧૦.૪ અબજ થઈ જશે.

એવું કહેવાય છે કે વૈશ્ર્વિક વસ્તી ૭ અબજથી ૮ અબજ સુધી પહોંચવામાં લગભગ ૧૨ વર્ષ લાગ્યા છે. આવી સ્થિતિમાં એવો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે કે ૨૦૩૭ સુધીમાં એટલે કે ૧૫ વર્ષમાં તે ૯ અબજના આંકડાને સ્પર્શી શકે છે. રિપોર્ટમાં આશંકા છે કે ૨૦૫૦ સુધીમાં વૈશ્ર્વિક વસ્તી વૃદ્ધિ માત્ર આઠ દેશોમાં કેન્દ્રિત થઈ જશે. તેમના નામ કોંગો, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, નાઇજીરીયા, પાકિસ્તાન, તાન્ઝાનિયા અને ફિલિપાઇન્સ છે.