
- પ્રચંડના તરફેણમાં પડ્યા ૨૬૮ મત, ૨ સભ્યોએ વિરોધ કર્યો.
કાઠમાડૂ,
નેપાળના નવનિયુક્ત વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડએ ગૃહમાં વિશ્ર્વાસ મત જીત્યો હતો. તેમના સાત પક્ષોના ગઠબંધન સહિત વિપક્ષના લગભગ બધાએ સર્વસંમતિથી પ્રચંડને ટેકો આપ્યો હતો. પ્રતિનિધિ સભામાં મતદાન દરમિયાન હાજર રહેનાક ૨૭૦ સભ્યોમાંથી ૨૬૮એ પ્રચંડની તરફેણમાં જ્યારે બે સભ્યોએ તેમની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. સંસદમાં વિશ્ર્વાસ મત દરમિયાન દેશના કોઈપણ વડાપ્રધાનને મળેલા મતોની આ સૌથી વધારે સંખ્યા છે . .પ્રચંડને વડાપ્રધાન પદ પર રહેવા માટે ૨૭૫ સભ્યોના ગૃહમાં માત્ર ૧૩૮ મતોની જરૂર હતી. ગૃહના સૌથી વરિષ્ઠ સભ્ય પશુપતિ શમશેર જે.બી. રાણાએ બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે પ્રચંડ દ્વારા લાવવામાં આવેલ વિશ્ર્વાસ પ્રસ્તાવને પસાર કર્યો છે.બેઠકની અધ્યક્ષતા કરી રહેલા રાણાએ મતદાન કર્યું ન હતું, જ્યારે અન્ય ચાર સાંસદો મતદાન દરમિયાન ગેરહાજર રહ્યા હતા. પીપલ્સ ફ્રન્ટ નેપાળ અને નેપાળ વર્કર્સ એન્ડ પીઝન્ટ્સ પાર્ટી સિવાય અન્ય તમામ પક્ષોએ પ્રચંડના સમર્થનમાં મતદાન કર્યું હતું.
મહત્વનું છે કે, સીપીએન-માઓવાદી સેંટરના ૬૮ વર્ષીય નેતા પ્રચંડે ૨૦૨૨ની ૨૬ ડિસેમ્બરે ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તે સમયે, તેમણે નાટકીય રીતે વિરોધ પક્ષના નેતા કે. પી.શર્માએ ઓલી સાથે હાથ મિલાવ્યો હતો. તેના પહેલાના દિવસે, સંસદના નીચલા ગૃહમાં તેમના ભાષણમાં, પ્રચંડે કહ્યું હતું કે નકારાત્મક્તા, અનાદર અને પ્રતિશોધની રાજનીતિને બદલે, તેઓ સર્વસંમતિ, સહકાર અને પરસ્પર વિશ્ર્વાસની રાજનીતિને આગળ વધવા માંગે છે.
વડાપ્રધાન પ્રચંડે કહ્યું કે સરકારના વડા તરીકે તેઓ નેપાળમાં રાષ્ટ્રીય એક્તાનો સંદેશ વિશ્ર્વને આપવા માંગે છે. તેમણે પોતાની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે સમપત રહેવા અને લોકોને કંઈક નવું આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સંસદની સૌથી મોટી રાજકીય પાર્ટી નેપાળ કોંગ્રેસે ૮૯ બેઠકો સાથે પ્રચંડને સમર્થન આપવાનું નક્કી કર્યું હતું.
વડાપ્રધાન પ્રચંડ નેપાળ કોંગ્રેસના વડા શેર બહાદુર દેઉબાને મળ્યા હતા અને સંસદમાં તેમનું સમર્થન માંગ્યું હતું. નેપાળ કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે, મંગળવારે બપોરે યોજાયેલી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકમાં વિશ્ર્વાસ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે પાર્ટીએ સરકારમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે.
જો કે, બે મહાસચિવ સહિત ચાર સાંસદોએ નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા સરકારની તરફેણમાં મતદાન કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. નેપાળ કોંગ્રેસ અને સીપીએન (માઓવાદી કેન્દ્ર)એ ૨૦ નવેમ્બરના રોજ યોજાયેલી સંસદીય દળની ચૂંટણીઓ માટે ચૂંટણી ગઠબંધન કર્યુ હતું. પણ બાદમાં નેપાળ કોંગ્રેસે કથિત રીતે પૂર્વ સંમતિ મુજબ પ્રચંડને વડાપ્રધાન પદ આપવાની મનાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ સીપીએનએ આશ્ર્ચર્યજનક રીતે નવી સરકાર બનાવવા માટે સીપીએન યુએમએલ સાથે જોડાણ કર્યું હતું.
નેપાળના ૨૭૫ સભ્યોમાંથી ગૃહમાં નેપાળ કોંગ્રેસના ૮૯ સાંસદો છે, જ્યારે યુએમએલ પાસે ૭૯ સાંસદો છે. એ જ રીતે, સીપીએન (માઓઇસ્ટ સેન્ટર), સીપીએન (યુનિફાઇડ સોશ્યલિસ્ટ) અને રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી પાસે અનુક્રમે ૩૨, ૧૦ અને ૨૦ સભ્યો છે. સંસદમાં જનમત પાર્ટીના ૬ સભ્યો, લોક્તાંત્રિક સમાજવાદી પાર્ટીના ૪ અને સિવિલ ઇમ્યુનિટી પાર્ટીના ૩ સભ્યો છે.