
શહેરા,
શહેરા પોલીસ દ્વારા શહેરા નગરના પતંગ વહેપારીઓ સાથે ચાઈનીઝ દોરી તેમજ તુક્કલના પ્રતિબંધ માટે પાલિકા સદન ખાતે સભા બોલાવવામાં આવી હતી. પી.આઈ. રાહુલ રાજપુત તેમજ પોલીસ કર્મીઓ ઉપરાંત નગર પાલિકાના ઈજનેર જીજ્ઞેશ શાહ અને એસ.આઈ જીતેન્દ્રસિંહ રાઠોડ એ વિવિધ માર્ગો પર ફરી લોકોને ચાઈનીઝ દોરી નવા વાપરવા માટેની સમજણ આપવામાં આવી હતી.
હાલમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરી તેમજ તુક્કલ માટે કડક વલણ અખત્યાર કરતા સજાની જોગવાઈનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જેમાં વહેપારીઓ દ્વારા વધુ આર્થિક ફાયદો મેળવવા સારૂં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરવામાં આવે છે. જેમાં મૂંગા પક્ષીઓ ઉપરાંત માણસને પણ ગળામાં વાગવાથી મૃત્યુ થયા હોવાના કિસ્સા બનવા પામ્યા છે. જેને અનુલક્ષીને મંગળવારના રોજ શહેરા પી.આઈ રાહુલ રાજપુત તેમજ પોલીસ કર્મીઓ ઉપરાંત નગરપાલિકાના એસ.આઈ. જીતેન્દ્રસિંહ રાઠોડ અને ઈજનેર જીજ્ઞેશ શાહ સાથે વિવિધ માર્ગો પર ફરી લોકોને સમજણ આપવામાં આવી હતી. જેમાં ચાઈનીઝ દોરાથી કોઈક ઘરનો જીવનદીપ બુઝાઈ જાય તો કેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. મૂંગા પક્ષીઓ જ્યારે દોરીમાં ફસાઈ જાય અને અંતે મૃત્યુ પામતા હોય છે. તો તુક્કલ પણ નુકશાનકારક હોઈ ચાઈનિઝ દોરી અને તુક્કલથી દૂર રહી ઉત્તરાયણ પર્વ ઉજવવું જોઈએ તેની સમજ આપી હતી. ત્યારબાદ શહેરા નગરપાલિકા મુખ્ય અધિકારી તેજલ મુધવાની અધ્યક્ષતામાં એક સભાનું આયોજન શહેરાના પતંગના વહેપારીઓ સાથે કરવામાં આવ્યું હતું જેમાં તેઓને ચાઈનીઝ દોરીના તેમજ તુક્કલ નો ઉપયોગ ન કરવા અને જો કોઈ પકડાશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, માનવતાના ધોરણે વહેપારીઓ જો પોતાના આર્થિક ફાયદાને ન જોતા ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવે તો કેટલાયે અબોલ પક્ષીઓ અને મનુષ્ય માત્રનો જીવ બચાવી શકાય તેમ છે.