ગુવાહાટી,
વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ વનડેમાં શાનદાર સદી ફટકારી છે. આ શ્રીલંકા વિરુદ્ધ તેની નવમી તો વનડે કરિયરની ૪૫મી સદી હતી. ૮૦ બોલમાં ફટકારેલી સદીની સાથે વિરાટ કોહલીએ મહાન ભારતીય બેટર સચિન તેંડુલકરના એક મોટા રેકોર્ડની બરોબરી કરી લીધી છે. હકીક્તમાં ભારતીય જમીન પર માસ્ટર બ્લાસ્ટરના નામે ૨૦ સદી હતી. હવે કિંગ કોહલીએ પણ તેની બરોબરી કરી લીધી છે. સચિને ઘરમાં રમાયેલા ૧૬૪ મેચમાં ૨૦ સદી ફટકારી હતી, જ્યારે કોહલીએ ૧૦૨ મેચમાં આ કીતમાન સ્થાપિત કર્યો છે.
ટોસ ગુમાવી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત આજે જબરદસ્ત રહી. કેપ્ટન રોહિત શર્માએ ૮૩ અને શુભમન ગિલે ૭૦ રન બનાવ્યા હતા. બંને વચ્ચે પહેલી વિકેટ માટે ૧૪૩ રનની ભાગીદારી થઈ. આ મજબૂત શરૂઆત પર કોહલીએ પોતાની સદી ફટકારી હતી. વિરાટ પહેલા બોલથી લયમાં જોવા મળી રહ્યો હતો. ૧૨ ચોગ્ગા અને એક સિક્સની ઈનિંગમાં આ બેટરને બે-બે જીવનદાન પણ મળ્યા હતા. ૫૦ અને ૮૦ રન આસપાસ તેના કેચ છોડવામાં આવ્યા હતા.
પૂર્વ ભારતીય કેપ્ટને પાછલા વર્ષના અંતમાં બાંગ્લાદેશના પ્રવાસમાં વનડે ફોર્મેટમાં સદી ફટકારી હતી. નંબર ૩ પર બેટિંગ કરતા તેણે ૯૯ બોલમાં ૧૧૪ રન બનાવ્યા હતા. આ સદી ૧૨૧૪ દિવસ બાદ આવી હતી. તે સદીથી પૂર્વ ભારતીય કેપ્ટને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટર રહેલા રિકી પોન્ટિંગને આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના મામલામાં પાછળ છોડ્યા હતા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એટલે કે ટેસ્ટ, વનડે અને ટી૨૦માં મળીને આ વિરાટ કોહલીના બેટથી આવેલી ૭૩મી સદી છે. એક્ટિવ પ્લેયર્સમાં તેની આસપાસ કોઈપણ નથી. પરંતુ ઓવરઓલ લિસ્ટમાં સચિન તેંડુલકર ટોપ પર છે, જેણે પોતાના કરિયરમાં ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. વનડે રેકોર્ડની વાત કરીએ તો સચિન-વિરાટમાં માત્ર પાંચ સદીનું અંતર રહી ગયું છે. વિરાટની આ ૪૫મી સદી છે તો સચિને ૪૯ વનડે સદી ફટકારી છે.