હાડ થીજવતી ઠંડી ગાયબ!:અમદાવાદમાં ૧૫ ડીગ્રી થઈ પણ વાતાવરણ શિમલા જેવું

અમદાવાદ,

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર અચાનક સાવ ઘટી ગયું છે. રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન હાલની સ્થિતિના સામાન્ય તાપમાનની સરખામણીએ બેથી વધુ ડીગ્રી ઊંચુ નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં હાલમાં લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી રહેવું જોઈએ તેના બદલે ૧૫ ડિગ્રી થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના નલિયામાં ૬ જાન્યુઆરીએ પારો ૨ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જે આ ૧૨ ડીગ્રી થઈ ગયો છે. એટલે કે ૧૦ ડીગ્રીનો મોટો તફાવત જોવા મળ્યો છે.

રાજ્યની સાથેસાથે અમદાવાદમાં છેલ્લા બેએક દિવસથી ઠંડામાં જબરો ઘટાડો નોંધાયો છે. શહેરના માર્ગો પર લોકો વાહન લઈને નીકળે ત્યારે ફરજિયાત હેડલાઈટ ચાલુ કરવી પડે તેવી રીતે રીતે ઝાકળ વરસી હતી. એટલે શહેરના માર્ગો પર વાહનો લાઈટ ચાલુ કરીને નીકળતા જોવા મળ્યા હતા. શહેરના રોડ પર સવારે વાહનોની મોટી અવરજવર રહેતી હોય તેવા એસજી હાઈવ, આશ્રમરોડ, વાસણા, રિવરફ્રન્ટના બંને છેડાના હાઈવે, એસપી રિંગ રોડ સહિતના તમામ માર્ગો પર આવી સ્થિતિ રહી હતી. જ્યારે ઝાકળે અમદાવાદ પર રીતસરનો કબજો જમાવી દીધો હતો અને વાતાવરણ કોઈ હિલસ્ટેશનનું હોય તેવું થઈ ગયું હતું. જોકે, આ બધા વચ્ચે અમદાવાદમાંથી ઠંડી ગાયબ થતી જોવા મળી હતી.

માઉન્ટ આબુમાં ચાર દિવસથી ચાર ડિગ્રી તાપમાન યથાવત્ રહી છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ૨૦ વર્ષની રેકોર્ડ બ્રેક -૬ ડીગ્રી ઠંડી રહ્યા બાદ છેલ્લા ચાર દિવસથી ચાર ડીગ્રી તાપમાન યથાવત્ રહ્યું છે. ઉત્તર પૂર્વીય પવનો ન હોવાના કારણે ઠંડીનો અહેસાસ ઓછો થયો છે. પરંતુ સવારમાં ધૂમમ્સભર્યું વાતાવરણ સર્જાય છે જે પ્રવાસીઓને ખેંચી લાવે છે.

Don`t copy text!