નવસારી,
રાજ્યમાં મોટી ઇમારતોમાં આગની ઘટનાઓ ન સર્જાય તે માટે સરકાર અને હાઇકોર્ટ ફાયર સેફટી માટે તાકીદ કરી રહી છે. જેને અનુસંધાને નવસારી વિજલપોર શહેરમાં કૉમર્શિઅલ બહુમાળી ઇમારતોમાં ફાયર સેટી લગાવવાની નોટિસ મળ્યા બાદ પણ ફાયર સેટીની વ્યવસ્થા ન કરતા પાલિકાએ કાર્યવાહી કરી છે. શહેરની ૧૬ કૉમર્શિઅલ ઇમારતોમાં આવેલ દુકાનો, ઓફિસને સીલ મારી કાર્યવાહી આરંભી છે. જેની સામે દુકાનદારોએ પાલિકાએ નોટીસ આપ્યા વિના જ સિલીંગ કર્યાના આક્ષેપ સાથે વિરોધનો સૂર છેડાયો છે.
સામાન્ય રીતે પાલિકાએ જો કોઈ ફાયર સેટી ને લઈ કાર્યવાહી કરવાની હોય તો ફાયર સેફટીના અભાવને લઈ પહેલા નોટિસ આપી દુકાનદારોને સૂચન કરતી હોય છે. કારણકે શહેરોમાં કૉમર્શિઅલ બહુમાળી ઇમારતોમાં આવેલ લોકોની અવર જવર વધુ હોય છે. પરંતુ કૉમર્શિઅલ એકમોમાં ફાયર સેટીના અભાવને કારણે આગ લાગે ત્યારે જાનમાલનું નુક્સાન પણ થાય છે. આવી ઘણી ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા કૉમર્શિઅલ અને રહેણાંક બહુમાળી ઇમારતોમાં ફાયર સેટી લગાવવાનું ફરજીયાત કર્યુ છે.
નવસારી શહેરમાં પણ નવસારી વિજલપોર પાલિકા દ્વારા આવી બહુમાળી ઇમારતોમાં ફાયર સેટી લગાવવા નોટિસો આપવામાં આવી હતી. પરંતુ શહેરની ૧૬ કૉમર્શિઅલ બહુમાળી ઇમારતોમાં ફાયર સેટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં ન આવતા પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કૉમર્શિઅલ ઇમારતોમાં આવેલી દુકાનો, બેંક, દવાખાના, ઓફિસ તેમજ રેસ્ટોરન્ટને સીલ કરવાની કામગીરી આરંભી છે. પાલિકાની ફાયરની ટીમ સાથે અધિકારીઓએ પ્રભાકુંજ, પ્રેમ રેસીડેન્સી, સીટી સ્કવેર સહિતની ૧૩ કૉમર્શિઅલ ઇમારતોમાં દુકાનો, ઓફિસ, બેંક વગેરેને બંધ કરાવી સીલ માર્યુ હતુ. તો આ તરફ પાલિકાની કામગીરીને લઇને દુકાનદારોમાં રોષ જોવા મળ્યો છે.દુકાનદારોએ પાલિકા તરફથી કોઇ નોટિસ ન મળી હોવાનું જણાવી આ મામલે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે.તથા પાલિકા ગેરકાયદે મિલક્તોને સીલ મારતી હોવાનો આક્ષેપ પણ દુકાનદારો દ્વારા કરવામાં આવ્યો છે.