મુંબઇ,
બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા હાલમાં ગિરનાર ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મુંબઈના દાદરમાં બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતી સમાજની અનેક હસ્તીઓ હાજર રહી હતી. બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને આ કાર્યક્રમમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના સંસ્થાપક પ્રમુખ હેમરાજ શાહના હસ્તે આશા પારેખને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓડિશાના કૅબિનેટ પ્રધાન રાજેન્દ્ર ધોળકિયા અને ગુજરાતી ન્યૂઝના ચેનલ હેડેને ગિરનાર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
૩૭ વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગ રુપે ૭ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ શનિવારે સાંજે ૬થી ૧૦ દરમિયાન એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરુઆતમાં ઉદયપુરથી રાજેશ સાળવી અને તેમનું ગ્રુપ ઘુમ્મર, ચારી, ભવાઈ, મમુર, કલબલીયા અને તેરતાલી નૃત્ય કર્યુ હતું. તેમણે માથા ઉપર સળગતી સગડી મૂકી નૃત્ય કરતાં ગરમાગરમ ચા પીવડાવી હતી.
સમારંભમાં મહારાષ્ટ્રના પ્રધાન મંગલ પ્રભાત લોઢા, સંગીતકાર આણંદજી શાહ, જિતેન્દ્ર મહેતા અને નાગજી રીટા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શોભિત દેસાઈએ કર્યું હતું. આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજીસ્વામી વતી તેમનાં સંસારી સગાંઓએ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ ઉપરાંત મહારાષ્ટ્ર ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનના વાઈસ ચેરમેન અજય આશર, અભિનેતા સંજય ગોરડિયા, સ્નેહા દેસાઈ, અભિનેતા જિમિત ત્રિવેદી, અભિનેતા અતુલ કુલકર્ણી, કલ્પક કેકરે, પ્રબોધ પરીખ, રેખા ત્રિવેદી, હર્લી ગાલા, અમીષા વોરા, રિઝવાન અડતિયા, ઝૈન અંદાની, જ્યોતીન્દ્ર દવે, સુધીર વોરા, એમ. કે. પટેલ, ચેતન શેઠ અને બાદલ પંડ્યાને ગિરનાર એવોર્ડ એનાયત કરાયો હતો.
કલ્પક કેકરે પણ બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના ગિરનાર એવોર્ડના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કલ્પક કેકરેને ગિરનાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બૃહદ મુંબઈ ગુજરાતી સમાજે ૩૦ ડિસેમ્બરના રોજ ૩૭ વર્ષ પૂરા કર્યા છે. તેની ઉજવણીના ભાગ રુપે હાલમાં દાદરમાં એવોર્ડ એનાયત કાર્યક્રન યોજાયો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગિરનાર એવોર્ડ એનાયત કાર્યક્રમ મુંબઈના યોગી સભાગૃહ, સ્વામિનારાયણ મંદિરની પાછળ, દાદર પૂર્વ ખાતે યોજાયો હતો.