નસીમ શાહે ભીની આંખે માતાને આપેલું વચન નિભાવ્યું, ઈમોશનલ સ્ટેટમેન્ટ આપ્યું

ઇસ્લામાબાદ,

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થઈ ગઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ ૯ જાન્યુઆરીએ કરાચીમાં રમાઈ હતી, જ્યાં યજમાનોએ ૧૧ બોલ બાકી રહેતા છ વિકેટથી જીત મેળવી હતી. મેચનો હીરો યુવા ફાસ્ટ બોલર નસીમ શાહ રહ્યો હતો. ટીમ માટે ૧૦ ઓવર બોલિંગ કરતી વખતે, તેણે ૫૭ રન ખર્ચીને સૌથી વધુ પાંચ સફળતા મેળવી. ડેવોન કોનવે, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર અને હેનરી શિપલી નસીમના શિકાર બન્યા હતા.

યુવા સ્ટાર ફાસ્ટ બોલરને કરાચીમાં તેની શાનદાર બોલિંગ બદલ ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ ખતમ થયા બાદ તેણે એક ઈમોશનલ સ્ટેટમેન્ટ આપ્યું, જેને સાંભળીને દરેકની આંખો ભીની થઈ ગઈ. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે તેની માતાને યાદ કરતો જોવા મળી રહ્યો છે અને વાત કરી રહ્યો છે કે જ્યારે તેણે તેની ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી ત્યારે તેની માતાને ક્રિકેટ વિશે વધુ જાણકારી નહોતી.

તેણે કહ્યું કે મેં મારી માતાને વચન આપ્યું હતું કે જ્યારે પણ હું પાંચ વિકેટ લઈશ, ત્યારે તે ટીવીની સામે તને સમર્પિત કરીશ. તેનાથી તમને ખુબ ખુશી થશે પરંતુ અફસોસ તે જોઈ શકશે નહિ, પરંતુ તે મારા મગજમાં દરેક ક્ષણ, દરેક સેકંડમાં છે. જ્યારે પણ હું સારું રમું છું ત્યારે મને લાગે છે કે મારી માતા મને જોઈ રહી છે. તેનાથી મને હિંમત મળે છે.

આ સિવાય મેચ વિશે વાત કરતા તેણે કહ્યું કે, અલ્લાહનો આભાર, અમે મેચ જીતવામાં સફળ રહ્યા, અને મેચમાં મારું મહત્વપૂર્ણ યોગદાન આપીને હું ખૂબ જ ખુશ છું. આ સિવાય તેણે ઈચ્છા વ્યક્ત કરી છે કે તે પાકિસ્તાન ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપતું રહે.નસીમ શાહના નામે હવે ૪ વનડેમાં ૧૫ વિકેટ છે. વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં નસીમ શાહ પ્રથમ બોલર છે, જેણે પોતાની પ્રથમ ૪ મેચમાં ૧૫ વિકેટ લીધી છે.