શહેરા નગરના લખારા સોસાયટીનાં બંધ મકાનને તસ્કરો એ નિશાન બનાવી રૂપિયા 25000 તેમજ સોના ચાંદીના દાગીના સાથે બાઈકની ચોરી કરી

  • પોલીસના નાઈટ પેટ્રોલિંગને ચેલેન્જ ફેકતા તસ્કરો.
  • પોલીસ ચોર ટુકડીને પકડી પાડે તેવી લોક માંગ.

શહેરા,

શહેરા લખારા સોસાયટીની સામે આવેલી જૂની જી.ઈ.બી. ઓફિસ પાસેના ત્રણ બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો. ચોર ટુકડીએ એક બંધ મકાન માંથી રોકડ રકમ 25,000 તેમજ સોના-ચાંદીના દાગીના ચોરી કરી જ્યારે બીજા બંધ મકાન માંથી બાઈકની ચોરી કરી જ્યારે ત્રીજા મકાનમાં ફેરો પડ્યો હતો. ચોર ટુકડી એક બાદ એક બંધ મકાનને નિશાન બનાવીને ચોરીને અંજામ આપી રહયા હોવાથી નગરજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

શહેરા નગરમાં લખારા સોસાયટીની સામે જૂની જી.ઈ.બી. ઓફિસ પાસે રહેતા માલવી નિરંજન કુમાર ઉર્ફે વાસુભાઇ, નરેશભાઈ દરજી, ધર્મેશભાઈ દરજીના બંધ મકાનને તસ્કરોએ મોડી રાત્રિના સમયે નિશાન બનાવ્યા હતા. ચોર ટુકડીએ નિરંજન માલવીના બંધ મકાનના દરવાજાનું તાળુ તોડીને અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશીને રૂમમા રહેલી તિજોરી તોડીને અંદર મૂકેલા સોના-ચાંદીના દાગીના સહિતની માલમત્તાની ચોરી કરી હતી. જ્યારે નરેશભાઈ દરજીના મકાનનો દરવાજાનો નકુચો તોડીને તેમની હોન્ડા સાઈન કંપનીની Gj-17-BB-1050 નંબરની બાઈકની ચોરી કરવા સાથે તેમની સામે આવેલ મકાનની અંદર ચોરો એ પ્રવેશ કરીને ઘરની અંદરના રૂમોમાં સામાન વેરવિખેર કરેલ જોવા મળી રહ્યો હતો. જ્યારે મકાન માલિકો પોતાના દરવાજાનો નકુચો તૂટેલો હોવા સાથે ઘરની અંદરના રૂમોમાં સામાન વેરવિખેર જોતા તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ બનાવ સ્થળ ખાતે આવી પહોંચીને જરૂરી તપાસ હાથધરી હતી. જ્યારે પોલીસ મથક ખાતે મકાન માલિક નિરંજન માલવી અને નરેશભાઈ દરજીએ બનેલા બનાવને લઈને આ સામે કાર્યવાહી કરવા માટે અરજી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, શહેરા નગર અને ગ્રામીણ વિસ્તારમાં ચોરીના બનાવોને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોવા સાથે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ વધુ કડક કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. શિયાળાની ઠંડીમાં પોલીસ પોઇન્ટથી થોડે દુર તસ્કરોએ ચોરીને અંજામ આપતા જાણે ચોર ટુકડી પોલીસને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે. નગર વિસ્તારમાં ચોરીના બનાવો બની રહયા હોય ત્યારે સ્થાનિક પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે અને રાત્રી દરમિયાન જિલ્લા પોલીસવડા દ્વારા પોલીસ પોઇન્ટની ઓચિંતી મુલાકાત લેવામાં આવે તેવી આશા લોકો રાખી રહયા છે. જિલ્લા પોલીસવડાની સારી કામગીરીને લઈને પ્રજાજનો પણ ખુશ હોય ત્યારે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ ટીમ બનાવીને ચોર ટુકડીને વહેલી તકે પકડી પાડે તેમ અહીંના રહીશો ઈચ્છી રહયા છે.