શહેરા પાલિકા દ્વારા બસ સ્ટેશન રોડ ઉપર પતંગ દોરીના વેપારી પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ

શહેરા,

શહેરા પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડએ બસ સ્ટેન્ડ પાસે આવેલા એક પંતગ-દોરાના વેપારીના ત્યાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપી પાડી હતી. પાલિકા દ્વારા 16નંગ ચાઈનીઝ દોરી કબજે લઇને વેપારી સામે દંડકીય કાર્યવાહી હાથધરી છે.

શહેરા નગર વિસ્તારમાં નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને મહેશ સોલંકી સહિત પાલિકાનો સ્ટાફ પતંગ દોરાના વેપારીના ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. પાલીકાની ટીમને બસ સ્ટેન્ડ વિસ્તારમાં મિતેશ નામના પતંગ દોરાના વેપારી દ્વારા છુપી રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોવાની માહિતી મળતા નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ત્યાં પહોંચી જઈને તપાસ હાથ ધરતા એક બોક્સમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી. પાલિકાની ટીમ દ્વારા 16નંગ ચાઈનીઝ દોરીને કચેરી ખાતે લાવીને પતંગ દોરાના વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પાલિકા દ્વારા પતંગ દોરાના વેપારી મિતેષને દંડકીય કાર્યવાહી હાથ ધરીને ચાઈનીઝ દોરી કબજે લઈને કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ અણીયાદ ચોકડી વિસ્તાર માંથી ચાઈનીઝ દોરીના સાત નંગ મળી આવ્યા બાદ પણ અમુક પતંગ દોરાના વેપારી છુપી રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય તેમ કહીએ તો નવાઈ નહીં હાલ તો પાલિકા દ્વારા અંદાજીત રૂા.5,000ની કિંમતની ચાઈનીઝ દોરી કબજે લઈને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા છુપી રીતે ચાઈનીઝ દોરી વેચતા પતંગ દોરાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.