દાહોદ,
દાહોદની એન.ઇ. જીરૂવાલા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો આદિજાતિ વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરે પ્રારંભ કરાવ્યો હતો અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં તાલુકા કક્ષાએ વિજેતા 90 બાળ વૈજ્ઞાનિકોએ 45 કૃતિની રજુઆત કરી હતી. તેમની સાથે તેમના માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. શિક્ષણમંત્રી સહિતના મહાનુભાવો બાળ વૈજ્ઞાનીકોની કૃતિઓની રજૂઆતથી પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય વિષય ટેકનોલોજી અને રમકડાં છે.
રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળે એ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યમાં દરેક શાળામાં પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે. તેમજ તાજેતરમાં જ રાજયમાં શાળાઓમાં 19 હજારથી પણ વધુ ઓરડાઓ માટેના ટેન્ડર અલોટમેન્ટની કામગીરી કરવામાં આવી છે. દરેક જિલ્લામાં 10-10 શાળાઓ આદર્શ બનાવાના લક્ષ સાથે રાજ્યમાં 1500 શાળાઓમાં સ્કુલ ઓફ એક્સલેન્સનો પ્રારંભ કરાશે. કોરોનાના સમય દરમિયાન પણ અમદાવાદથી બાયશેગના માધ્યમથી 7 ચેનલો ઉપર શિક્ષણનું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને થયેલો લર્નીગ લોસ પણ શિક્ષકોએ ઉઘડતી શાળાએ પૂર્ણ કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા નવી શિક્ષણનીતિને હવે રાજ્યમાં સુપેરે લાગુ કરવામાં આવશે તેમ જણાવતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, આ માટેના સઘન પ્રયાસો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં કરાય રહ્યાં છે. જે અંતર્ગત પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા વિદ્યાર્થીઓને 100 કલાક માટે બેગલેસ શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થી એક વર્ષમાં 1000 જેટલા કલાકો શાળામાં વિતાવતો હોય છે. જેમાંથી 100 કલાકો બેગલેસ શિક્ષણ અંતર્ગત તેનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને તેના છુપા કૌશલ્યને નિખરાવમાં લગાવાશે. આ માટે 491 જેટલી શાળાઓની પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી કરાઇ છે. તેમજ આગામી તા. 15 જુનથી બાલવાટીકાપ્રીસ્કુલની પણ તમામ વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવશે.
દેશમાં વિદ્યા ક્ષેત્રે ભૂતકાળનો ભવ્ય ઇતિહાસની વાત જણાવતા તેમણે જણાવ્યું કે, દેશમાં નાલંદા, તક્ષશીલા, વલખી જેમ આંતરરાષ્ટ્રીય કક્ષાનો ગુરૂકુલ હતા. જેમાં લોકો દુનિયાભરમાંથી અભ્યાસ અર્થે આવતા. ભૂતકાળના આ ગૌરવને પુન:સ્થાપિત કરવા માટે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ આગેકુચ કરી રહ્યો છે તેમ જણાવતા તેમણે શિક્ષક એ કર્મચારી નહીં પરંતુ સમાજનો-રાષ્ટ્રનો ઘડવૈયો છે, એમ કહી શિક્ષકની ભૂમિકા વિશે જણાવ્યું હતું.
પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, આપણો જિલ્લો શિક્ષણ ક્ષેત્રે પાછો ન રહે એ માટે આપણે સૌએ કમર કસવાની છે. જિલ્લામાં શિક્ષણ માટેની તમામ સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે જિલ્લાના વિદ્યાર્થીઓએ ઊંચા લક્ષ હાંસલ કરવા માટે દિવસ રાત એક કરવા રહ્યાં. ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન જેવા કાર્યો વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત ક્ષમતાઓને બહાર લાવવાનું કાર્ય કરે છે અને તેઓને ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે ઇજન આપે છે.
સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ગણિત-વિજ્ઞાન ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહન મળે, નવી ટેકનોલોજીમાં વિદ્યાર્થીઓનો રસ જાગે અને તેમાં પારંગત બને એ માટે સઘન પ્રયાસો કરાઇ રહ્યાં છે. ટેકનોલોજીથી વહીવટમાં પણ ભારે પારદર્શકતા આવી છે. દેશના 8 કરોડ કિસાનોના ખાતામાં સીધા જ પૈસા જમા થાય છે. વિવિધ યોજનાઓના લાભ ઓનલાઇન ટ્રાન્સફર થતા હોય ભષ્ટ્રાચારને નિવારી શકાયો છે. કોરોનાના કપરા સમયમાં પણ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણા વૈજ્ઞાનિકો રસી બનાવી શકયા. જેનો દેશવાસીઓ અને અન્ય દેશના લોકોને પણ લાભ પ્રાપ્ત થયો છે. ત્યારે બાળકો વિજ્ઞાન ક્ષેત્રે વૈશ્ર્વિક સ્તરે સફળતા મેળવે એ માટેની શુભેચ્છાઓ તેમણે આપી હતી.
આ પ્રદર્શનનું તા. 8 ના રોજ બપોરે 2 કલાકે સમાપન સમારોહ યોજાશે. જીસીઇઆરટી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, દાહોદ અને જિલ્લા શિક્ષણ સમિતિ, દાહોદ દ્વારા આ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ વેળા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ધારાસભ્ય સર્વે મહેશભાઇ ભૂરીયા, મહેન્દ્રભાઇ ભાભોર, કનૈયાલાલ કિશોરી, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઇ ડામોર, અગ્રણી શંકરભાઇ અમલીયાર, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, આરોગ્ય સમિતિના ચેરમેન અશ્ર્વિનભાઇ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સરતનભાઇ ચૌહાણ, કારોબારી સમિતિના ચેરમેન ઝીથરાભાઇ ડામોર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઇ સોની, જિલ્લા પ્રાથમિક શિેક્ષણાધિકારી મયુર પારેખ, જિલ્લા શિક્ષણાધિકારી કે.જી. દવે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્ય આર.જી. મુનિયા સહિતના અધિકારીઓ, વિવિધ શિક્ષણ સમિતિના સદસ્યઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.