ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું

સંજેલી,

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. જેમાં અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે નવોદય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તાલીમ માર્ગદર્શન અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા આજરોજ એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 60થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાં સૌપ્રથમ બાળકો ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી- શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે સવારના 7.30 કલાકે ઉપસ્થિત રહ્યા હતા ત્યાંથી માનગઢ ધામ લઈ જવામાં આવ્યા હતા અને ગુરૂ ગોવિંદ દર્શન કરાવવામાં આવ્યા હતા. માનગઢ હીલ અને ત્યાંના ઇતિહાસ વિશેની જાણકારી સંગાડા અશ્ર્વિનભાઈ સી. દ્વારા આપવામાં આવી હતી. ત્યાંથી ચા-નાસ્તો કરીને એકદમ કુદરતી વાતાવરણમાં આવેલ કડાણા ડેમ બિર્સા મુંડા ભગવાનના દર્શન કર્યા હતા અને અમર ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કડાણા થી એકદમ નજીક આવેલ ધોડિયાર ખાતે બાળકોને નદીનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા હતા. ત્યાં ભગવાન શિવની મોટી મૂર્તિ જોઈને બાળકો ખુબજ નવાઈ પામ્યા હતા. ઘોડિયારમાં વિદ્યાર્થીઓને દાળ ભાત, પૂરી શાક, લાંડુ, પાપડ, છાસ, સેવ (ગુજરાતી ભોજન) ની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી અને બાળકો એકદમ ખુશ જોવા મળતા હતા અને ત્યાંથી અંદાજે 4 વાગે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે આવી પહોંચ્યા હતા.

આ એક દિવસીય પ્રવાસના આયોજનમાં ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા, તેમજ ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો અશ્ર્વિનભાઈ સી. સંગાડા, રાજુભાઈ એસ. મકવાણા, જનતાબેન ડી.મકવાણા, સોનલબેન એ. સંગાડા, સેલોત કિરણભાઈ વી, સેલોત નિકિતાબેન કે. તેમજ સ્ટાફ નર્સ સ્વાતિબેન વસૈયા તેમજ અન્ય વાલી મિત્રો જોડાયા હતા. આ એક દિવસીય પ્રવાસ ખૂબ જ આનંદિત રહ્યો હતો.