ગોધરા પોલીસ દ્વારા વ્યાજખોરોને ખુલ્લા પાડવાની મુહિમમાં બે ઈસમો સામે મની લોન્ડરીંંગ હેઠળ ગુન્હો નોંધાયો

  • વ્યાજખોર ત્રણ આરોપીઓને પોલીસે ધરપકડ કરી.
  • ગોધરામાં પોલીસની વ્યાજખોરો ઉપર કાર્યવાહી શરૂ કરતાં વ્યાજખોરોમાં ફફડાટ.

ગોધરા,

ગોધરા પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા સાથે વ્યાજખોરોને ખુલ્લા પાડવા માટે મુહિમ શરૂ કરી છે. જેના ભાગરૂપે ગોધરા શહેરના બે વ્યાજખોરો સામે એ ડીવીઝન પોલીસે મની લોન્ડરીંગની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી વ્યાજખોરો મળી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

ગોધરા શહેરના નારી કેન્દ્ર પાસે આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા મિહિર રાણાને પિતા ભરતભાઈને કોરોના થતાં તેમની દવા સારવાર માટે નાણાંની જરૂરિયાત ઉભી થતાં ઓળખીતા મનોજ હસમુખ રાણા પાસેથી રૂા.1.20 લાખ રૂપિયા ઉછીના માગતાં મનોજે દશ ટકાના માસિક વ્યાજે નાણાં આપ્યા હતા. દરમિયાન તેઓના પિતાનું અવસાન તથા તેમની મરણોત્તર વિધિ બાદ વધુ નાણાંની જરૂરિયાત ઊભી થતા દિનેશ દંતાણી પાસેથી પણ રૂપિયા 70 હજાર 10 ટકાના વ્યાજે લીધા હતા. મિહિર રાણા બે વ્યાજખોરોને સમયસર દર મહિને 10% લેખે વ્યાજ ચૂકવતો હોવાથી તેના પરિવારનું ગુજરાન ચલાવવું પણ તે સમયે મુશ્કેલરૂપ બનતું જઈ રહ્યું હતું. જ્યારે વ્યાજખોરોને મિહિર રાણાએ તેની પાસે રૂપિયા આવતા તે ચૂકવી પણ દેતો હતો. દિનેશ દંતાણી દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા સાથે મિહિરને વહેલા રૂપિયા આપવા માટે પણ જણાવતો હતો. વ્યાજખોરો એ જે ઘર આ પરિવાર માટે આશરો હતો, તે જ ઘરને આ વ્યાજખોરોએ રૂપિયા માટે તાળું મારી દેતા આ પરિવાર ઘર વગર થઇ જતા મિહિર રાણાને ના છૂટકે પોતાના સાસરીમાં પરિવાર સાથે રહેવા જવું પડ્યું હતું. જોકે, વ્યાજખોરોએ ગમે તે રીતે મિહિર રાણા ક્યાં રહે છે, તેનું સરનામું લઈને મિહિરની સાસરીમાં પણ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરવા માટે પહોંચી જતા હતા. આખરે મિહિર રાણાએ હિંમત રાખીને આવો વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થાય તે માટે તેને પોલીસ મથકનો દ્વાર ખખડાવ્યો હતો અને પોલીસનો ઉચ્ચ અધિકારીઓને તેની સાથે થયેલ હકીકતને જણાવતા પોલીસ પણ એક્શનમાં આવી જઈને બંને ઈસમો અને મહિલા અમૃતાબેનની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ બાબતને વધુ ગંભીરતાથી લઈને આ ત્રણ વ્યક્તિઓની કડક પૂછપરછ કરવામાં આવે તો આવા કેટલા પરિવારોને આ વ્યાજખોરોએ રસ્તા પર લાવી દીધા હશે. તેની ખરી હકીકત બહાર આવે તો નવાઈ નહીં.

બોક્સ :-

પંચમહાલ પોલીસ દ્વારા લોકહિત માટે જે મુહિમ ચલાવવામાં આવી છે. તેને પ્રજાજનોએ બિરદાવી છે. જોકે, છુપી રીતે અનેક લોકો લાયસન્સ નહીં હોવા છતાં 10% અને 20% એ તેમજ આના કરતાં વધારે વ્યાજ લઈને રૂપિયા આપતા હોય ત્યારબાદ પઠાની ઉઘરાણી કરીને પોતાના રૂપિયા પણ વસૂલ કરતા હોય છે. અમુક વખતે તો લીધેલા રૂપિયા કરતા વધુ વ્યાજ ચૂકવી દીધા પછી પણ આ વ્યાજખોરો રૂપિયા લેવા માટે દોડી આવતા હોય છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા છુપી રીતે આવા વ્યાજખોરોને પકડી પાડીને સબક શીખવાડે તેવી લોક માંગ ઉઠી છે. હાલ તો અનેક લોકો આવા વ્યાજખોરોની ચુંગલમાં આવી ગયા બાદ તેઓને નીકળવું પણ મુશ્કેલરૂપ બની જવા સાથે તેમનું પરિવાર પણ આના કારણે બરબાદ થઈ જતું હોય છે.