કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને રવિવારે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન પ્રોગ્રામ અંતર્ગત જુલાઇ ૨૦૨૧ સુધીમાં ૨૫ કરોડ નાગરિકોને કોરોનાની રસી અપાશે. કેન્દ્ર સરકાર માનવસંસાધનો, તાલીમ, સુપરવિઝન અને અન્ય બાબતોમાં ક્ષમતા વધારવાની યોજના પર કામ કરી રહી છે. જુલાઇ ૨૦૨૧ સુધીમાં ભારત કોરોનાની રસીના ૪૦૦થી ૫૦૦ મિલિયન ડોઝ મેળવવા અને ૨૫ કરોડ નાગરિકોને આપવાનો અંદાજ છે.
કોરોનાની રસી એકવાર તૈયાર થાય એટલે સમાન વિતરણને સુનિશ્ચિત કરવા સરકાર ૨૪ કલાક કામ કરી રહી છે. દેશના દરેક નાગરિકને કોરોનાની રસી ઉપલબ્ધ થાય તે અમારી ટોચની પ્રાથમિકતા છે. નીતિ આયોગના સભ્ય ડો. વી કે પોલના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય નિષ્ણાતોની સમિતિ કોરોના વેક્સિનના તમામ પાસાઓ પર ચાંપતી નજર રાખી રહી છે. રાજ્યોએ ઓક્ટોબર મહિના સુધીમાં કોરોનાની રસી માટે પ્રાથમિકતાના વર્ગોની યાદી સોંપવાની રહેશે. ઓક્ટોબર સુધીમાં રાજ્યોએ કેન્દ્ર સરકારને કોલ્ડ ચેઇન ફેસિલિટી અને અન્ય સંબંધિત માળખાકીય સુવિધાઓની માહિતી આપી દેવાની રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનની ખરીદી કરાશે અને દરેક નાગરિકને રસી પહોંચે તે માટે દરેક કન્સાઇનમેન્ટ પર ચાપતી નજર રખાશે.