ગુજરાતમાં પ્રધાનમંંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦ લાખથી વધુ આવાસો નિર્માણ પામ્યા

અમદાવાદ,

અમદાવાદમાં ગાહેડ-ક્રેડાઇના ૧૭માં પ્રોપર્ટી શૉ નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. રાજ્યમાં બી.યુ પરમીશન સહિતના નીતિ-નિયમોનો વ્યાપક લાભ ડેવલોપર્સ-રિયલ એસ્ટેટ વ્યવસાયકારોને લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ આ ત્રિદિવસીય પ્રોપર્ટી શૉના આયોજનને અભિનંદન પાઠવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌને કિફાયતી આવાસ મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે. સમગ્ર દેશમાં ૧ કરોડ ૩૨ લાખ જેટલા આવાસો તથા ગુજરાતમાં ૧૦ લાખથી વધુ આવાસો આ યોજનામાં નિર્માણ પામ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, વડાપ્રધાનએ વિક્સાવેલી વિકાસની રાજનીતિને પરિણામે ગુજરાત દેશનું વિકાસ રોલ મોડેલ બન્યુ છે. એટલું જ નહિ, વિદેશી રોકાણકારોની પહેલી પસંદ પણ ગુજરાત છે. ગુજરાતની આ અવિરત વિકાસ યાત્રાને વધુ ઊંચાઇએ લઇ જવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્ર્વાસના મંત્રથી આગળ ધપાવાવી નેમ પણ તેમણે દર્શાવી હતી.

મુખ્યમંત્રીએ બાંધકામ શ્રમિકોને કામકાજના સ્થળે જ રાહત દરે ભરપેટ ભોજન પુરૂં પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ મોટી બાંધકામ સાઇટના શ્રમિકો લઇ શકે છે તેની પણ વિગતો આ અવસરે આપી હતી. ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ક્રેડાઈ અમદાવાદ- ગાહેડ દ્વારા તારીખ ૬-૭ અને ૮ જાન્યુઆરીના સમય દરમ્યાન ગણેશ ગ્રાઉન્ડ થલતેજ અમદાવાદ ખાતે ૧૭માં ગાહેડ પ્રોપર્ટી શૉનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૫૦ કરતા વધુ પ્રોજેકટ્સની માહિતી શહેરીજનોને એક જ જગ્યા પરથી મળી રહેશે.

આ સંસ્થાકીય આયોજનમાં ડેવલપર્સ, નાણાંકીય સંસ્થાઓ તથા એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ સહિત કુલ ૬૫ સ્ટોલ્સ છે. નવું ઘર વસાવવા માટે શહેરીજનોને એક જ છત્ર નીચે બધા જ પ્રકારના સેગ્મેન્ટના પ્રોજેક્ટસની વિસ્તૃત માહિતી મળી રહે અને પ્રોપર્ટી ખરીદનારને તમામ સુવિધાઓ સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.